Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સાયલા પાસેથી ઉચ્ચ કક્ષાના નિવૃત અધિકારીની હત્યા પરથી પડદો ઉંચકાશે

હત્યારાએ જેની હત્યા કરી તેની કાર પણ ચલાવેલી ? અજાણ્યાને કાર ચલાવવા ડે. ડાયરેકટર કક્ષાના અધિકારી આપે નહિ, મતલબ કે હત્યારો કોઈ પરિચીત હોવાની આશંકાઃ ભેદ ઉકેલવામાં એક રીક્ષા ચાલકની ભૂમિકા મહત્વનીઃ ડીઆઈજી અને એસપીના માર્ગદર્શનમાં લીંબડી ડીવાયએસપી ડી.વી. બસીયા ટીમ દ્વારા તૂર્તમાં ધડાકો

રાજકોટ, તા. ૮ :. ગત રવિવારે સુરેન્દ્રનગર પંથકના સાયલા હાઈવે સર્કલ પર ગાંધીનગરના ખેતીવાડી ખાતાના ઉચ્ચ કક્ષાના નિવૃત નાયબ ડાયરેકટર ગુણવંતભાઈ ભટ્ટની રહસ્યમય સંજોગોમાં મળેલી લાશનો ભેદ તૂર્તમાં ઉકેલાય જાય તેવી મહત્વની કડીઓ પોલીસને સાંપડયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સોમવારે બપોરે પોલીસને લાશની જાણ થયા બાદ એસપી સુરેન્દ્રનગર મહેન્દ્ર બગડીયાના સુપરવિઝન તથા રેન્જ વડા સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ લીંબડીના ડીવાયએસપી ડી.વી. બસીયાએ ચાર ટીમો બનાવી તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. પોલીસની જહેમત રંગ લાવે અને રહસ્ય પરથી પડદો ઉંચકાઈ જશે તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થાય છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપીએ સાયલા સર્કલ પાસે આવી એક રીક્ષા કરી હતી. રીક્ષા ચાલકને પોતે દવાખાનાના કામ માટે જવુ છે તેમ જણાવેલ. ત્યાર બાદ રીક્ષા મુળી હાઈવે તરફ લેવડાવી હતી અને આ દરમિયાન ચાલુ રીક્ષાએ તેની પાસે રહેલી થેલી સિદ્ધસર ગામ પાસે પહોંચી થેલી ફેંકી દીધી હતી.

બીજા દિવસે પોલીસે નિવૃત નાયબ ડાયરેકટરની હત્યા અંગે તપાસ ચાલુ કરતા જ એ રીક્ષા ચાલકે નાગરીક ધર્મ બજાવી પોતાની શંકા વ્યકત કરી અને પોલીસને મહત્વની કડી સાંપડી હતી. એમ કહેવાય છે કે, ચોક્કસ દુકાનેથી આરોપીએ કપડા પણ ખરીદયા હતા. લોહીવાળા વસ્ત્રો એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. એફએસએલમાં લોહીવાળા વસ્ત્રો મોકલવા પાછળ એક એવી વાત બહાર આવી છે કે આરોપીએ રેડીમેઈડ દુકાનમાંથી વસ્ત્રો ખરીદેલ. પહેરેલ વસ્ત્રો પર લોહીના ડાઘ ન દેખાય તે માટે ઉપર એક વસ્ત્રથી આડસ કરેલી.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સ્વર્ગસ્થ ગુણવંતભાઈ ભટ્ટના પુત્ર કે જેઓ પણ ઉચ્ચ સ્થાન પર છે. તેઓએ પોલીસને જણાવેલ કે, તેના પિતા કાર લઈને હંમેશા એકલા જતા હતા. નવાઈની વાત એ છે કે કારમાંથી લાશ મળી ત્યારે સ્વ. ગુણવંતભાઈ ડ્રાઈવીંગ સીટ પર નહિ બાજુની સીટ પર હતા. આનો અર્થ એ થાય કે કાર કોઈ બીજો શખ્સ ચલાવતો હતો. અજાણી વ્યકિતને કોઈ કાર ચલાવવા આપે નહિ એટલે હત્યારો ગુણવંતભાઈનો પરીચીત હોવાનું પણ અનુમાન થઈ રહ્યુ છે. ઉકત બાબતે લીંબડી ડીવાયએસપી ડી.વી. બસીયાનો સંપર્ક સાધતા તેઓએ અજાણી વ્યકિત કાર ચલાવતી હોવાની બાબતને પુષ્ટી આપવા સાથે પોલીસ દ્વારા ટોલનાકા સહિતના રસ્તા પરના સીસીટીવી કેમેરાના ફુટેજ પોલીસે એકઠા કર્યાનું અને હાલના તબક્કે તપાસ નાજુક તબક્કામાં હોય અન્ય કંઈ કહેવાના બદલે ટૂંક સમયમાં ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યુ હતું.

(11:51 am IST)