Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભાવનગરની સ્થાપનાને ૨૯૭ વર્ષ પૂર્ણ : ભાવસિંહજી ઉપરથી ભાવનગર નામ

પ્રાચીન સમયે સિંહોર રાજધાની સલામત ન જણાતા સિહોરથી ભાવનગર રાજધાની ખસેડાયેલ : દરિયાઈ માર્ગે સુરત અને ખંભાતના વેપાર કેન્દ્ર જોડાણને મહત્વ

ભાવનગર, તા. ૮ : અખાત્રીજે ભાવનગર ૨૯૭ વર્ષ પૂર્ણ કરી ૨૯૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તા.૭-૫-૧૭૨૩ મંગળવાર, અખાત્રીજે ભાવનગરના તોરણ બંધાયેલા. ભાવસિંહજીના નામ પરથી ભાવનગર નામ રખાયુ. જોગાનુજોગ વાર, તિથિ, તારીખ બધુ જ મળતુ આવે છે. રાજધાની સિહોરથી ભાવનગર ફેરવનાર ભાવસિંહજી પહેલા (ઈ.સ.૧૭૦૩-૧૭૬૪) હતા.

રાજધાનીનું સ્થળ ફેરવવાના કારણમાં સિહોર પર્વતોથી ઘેરાયેલુ હતું. તેથી મરાઠાઓના આક્રમણ અને અન્ય મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પર્વતોની વચ્ચે સિહોર હોવાથી બહારી આક્રમણના સમયે ઘેરાયા પછી ત્યાંથી નાસવાનો અથવા બાહ્ય મદદ માટે કોઈ માર્ગ રહેતો નહી. તેથી બદલાયેલ પરિસ્થિતિમાં સિહોર રાજધાનીના સ્થળ માટે સલામત નહોતુ. ઉપરાંત દરીયાઈ માર્ગે સુરત અને ખંભાત જેવા વેપારના મોટા કેન્દ્ર સમા બંદરની સાથે જોડાણ કરવા માટે જરૂરી હતું.

રાજસ્થાનથી ઉતરી આવેલ ગંગાજળીયા ગોહીલવંશના પ્રથમ રાજવી સેજકજીએ ઈ.સ.૧૨૫૦માં સાયલામાં રોજકપુર વસાવી ગાદીસ્થાયી ત્યાર પછી ઉત્તરોત્તર રાજવીઓએ ઉમરાળા, ઘોઘા અને છેલ્લે શિહોર ૧૬૬૦ થી ૧૭૦૩ સુધી મહારાણા રતનજી બીજાએ રાજગાદી નીભાવી પછી ભાવસિંહજી પહેલાએ રાજયની ધુરા સંભાળી. દૂરંદેશી રાજવીને લાગ્યુ કે રાજયનો વિકાસ સાધવો હોય તો સૌપ્રથમ સુરક્ષા, શિક્ષણ અને વ્યાપાર વિકાસને વિકસાવવુ પડે તે દૃષ્ટિને ધ્યાને લઈ શિહોર રાજગાદીની પૂર્વમાં બંદરીય વિકાસ સાધી શકાય તેવા દરીયાઈ તટે રાજગાદી સ્થાપિત કરવા. વિક્રમ સંવત ૧૭૭૯ના વૈશાખ સુદ ત્રીજને (અક્ષય તૃતીયા યાને અખાત્રીજ વણનાયુ મુહૂર્ત) તા.૭-૫-૧૭૨૩ને મંગળવારના રોજ પોતાના જ નામ પરથી ભાવનગર શહેરના પાયા નાખ્યા, આજે યોગાનુયોગ વર્ષો બાદ તારીખ-વારને તિથિ એક જ દિવસે આવે છે ત્યારે આજ તા.૭-૫-૨૦૧૯ને અખાત્રીજે ભાવનગર - ૨૯૭ વર્ષ પૂરા કરી ૨૯૮ના વર્ષમાં બેસશે.

કોઈપણ રાષ્ટ્ર - રાજય કે શહેરની પરખ તેના સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ઉદ્યોગ - વ્યાપારીક, વિકાસ અને વિરાસત ઉપરથી થાય છે. ભાવનગર આ પૈકીની કેટલીક બાબતોમાં રાજય અને રાષ્ટ્રીય સ્તરે આગવુ સ્થાન ધરાવે છે. તેને યશ આપણા દુરંદેશી પજાવત્સલ રાજવીઓને જાય છે. જેમાં પ્રજાની સવણી માટે ગૌરીશંકર, ખોડીયાર અને સોનારીયા જેવા જળાશયો, સ્ત્રી શિક્ષણની પહેલ કરણ - માજીરાજ ગર્લ્સ હાઈસ્કુલ - રાજયની પ્રથમ રેલ્વે, દરબાર બેન્ડ (એસએએસ અને હાલની એસબીઆઈ) રાજયની સૌપ્રથમ શામળદાસ કોલેજ, સૌપ્રથમ નગર પાલિકાની રચના, વિશ્વ વિખ્યાત બંદરીય લોકગેઈટ.

૧૯૮૨માં ભાવનગર મ્યુનિસિપાલીટી ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન થઈ રાજયના શહેરી વિકાસ ખાતા તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવાનું શરૂ થયુ તેમ છતાં આપણા રાજકીય આગેવાનોની નબળી નેતાગીરી કહીએ કે અણ આવડત - પરંતુ અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં પાછલા ૩૭ વર્ષમાં રોડ, રસ્તા, પાણી અને અન્ય માળખાગત સવલતોની દૃષ્ટિએ ભાવેણુ ઘણુ પાછળ રહ્યું છે. જે કંઈ કામો થઈ રહ્યા છે તે ગોકળગાયની ગતિથી આગળ વધી રહ્યા છે. ટ્રાફીકની સમસ્યા હલ કરવા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા જેવા સીટીએ પાછલા પાંચથી દસ વર્ષમાં અનેક ઓવરબ્રીજ બનાવ્યા છે. રોડ પરના દબાણો દૂર કરી રસ્તાઓની પહોળાઈઓ વધારી છે. લાઈટીફીકેશન કરી અજવાળા પાથર્યા છે. જયારે આપણુ શહેર પાછલા પાંચ વર્ષથી ઓવરબ્રીજ બનાવવાનું, રસ્તાઓ પહોળા કરવાનું આયોજન કરી રહી છે ત્યારે પાશેરામાં હજુ માત્ર અર્ધી પૂણી મુકાઈ હોવાનું ભાસે છે.

પાછલા દસ વર્ષમાં ભાવનગરમાં એવા કોઈ નવા ઉદ્યોગો આવ્યા નથી. શીપ ભાંગવા સાથે શીપ બિલ્ડીંગ ઉદ્યોગ વિકસાવવાનું ૧૯૧૨નાં પ્રજાસત્તાક દિન ઉજવણીમાં જાહેર કરનાર આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી મોદીની ઈચ્છા સાવ વિસરાઈ ગઈ છે. વિશ્વના પાંચેક દેશોનો શીપ બાંધવાનો અબજો રૂપિયાનો ઓર્ડર ખોળામાં ધરાવતો આલકોક એશ ડાઉનશીપ બિલ્ડીંગ ઉદ્યોગ આજે મૃતપ્રાય થયો છે. આજથી ૧૮ વર્ષ પહેલા જહાંગીર વકીલ ચીલ વાપી જમીન પર જવેલરી પાર્ક બનાવવાની જાહેરાતોની ફાઈલો આજે સરકારી કચેરીમાં છે. ૧૯૮૪માં પંજાબના રોલીંગ મીલ ઉદ્યોગનગર ગોવિંદગઢને પણ આંટી જાય તેટલી ૭૨ જેટલી રોલીંગ મીલો શિહોરમાં સ્થપાયેલી પોલીટીકલ વિલના અભાવે અને કેન્દ્રીય પીઠબળના અભાવે આજે શિહોરમાં માત્ર ૫ થી ૧૩ રોલીંગ મીલો ડચકા ખાતી હાલતમાં ચાલે છે. પર્યાવરણ, માનવ અધિકાર અને પર્યાવરણવાદી સંસ્થાઓના બીનજરૂરી ડાંગર પંચના કારણે આજે શિપ બ્રેકીંગ યાર્ડ અલંગશીપ રી સાયકલીંગના નામે અનેક પ્રશ્નોના સામના સાથે હકારાય રહ્યો છે. ગુજરાતમાં સુરત પછી બીજા નંબરે આવતો હિરા ઉદ્યોગ - એકવાર ભાવનગરની શાન ગણાતો પરંતુ આજે કેટલાક માથા અને અસામાજીક તત્વોની રંજાડ, કારીગરો અને હિરા કર્મચારીઓમાં વકરેલી ગુનાહિત વૃતિ તેમજ સંબંધ ખાતાઓના રક્ષણ - કાયદા પાલન અને બીનજરૂરી વહીવટવાળી બે ઘાટી નીતીના કારણે આ ઉદ્યોગના મોટામાથા ગણાતા ઉદ્યોગપતિઓએ પોતાના અહિંના ધંધા સંકેલી સુરત અને મહેસાણાની વાટ પકડી છે. ભાવનગરની ચાર મોટી ઔદ્યોગિક વસાહતોમાં આવેલા ઉદ્યોગો પૈકી ૫૦% ઉદ્યોગો એકસપોર્ટ ઓરીએન્ટેડ ઉદ્યોગો છે. વરસ દહાડે કરોડો રૂપિયાનું હુંડીયામણ સરકારને કમાવી આપે છે. પરંતુ સરકારમાં આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવાની આપણા રાજકીય આગેવાનોની અણઆવડત કયો કે નબળી નેતાગીરી - જેના અભાવે આ ઉદ્યોગ પોતાના કદ વધારવામાં પાછા પડે છે.

ભાવનગર પાણી પ્રશ્ને અવતાર લેનાર કલ્પસર યોજના હવે એક કાલ્પનીક યોજના સાબિત થઈ રહી છે. ભાવેશાના મહાજનો દ્વાર ભાવનગરને દક્ષિણના શહેરો સાથે જોડવાની દેવલા - ગુંદાળા બ્રીજ, ખાડી ઉપરનો પુલ, તારાપુર રેલ્વે ધોલેરા - મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર આ બધુ જ અત્યારે ફાઈલોમાં પડ્યુ છે.

આ બધી જ પરિસ્થિતિમાંથી બહાર આવવુ હોય તો ભાવનગરીઓ પાસે એક જ વિકલ્પ છે. રાજકીય, સામાજીક, ઔદ્યોગિક, વ્યાપારીક અને એકતા અને આ શીખવા માટે આપણુ પાડોશી શહેર રાજકોટનો જૂનાગઢ અને જામનગરનો ઘડો લેવો જરૂરી છે. ભાવનગરના ૨૯૭માં જન્મદિવસે ભાવેણાના તમામ પાસાઓ ભાવનગરના વિકાસના કે હિતના કોઈપણ પ્રશ્ને એક થાય એકતા કેળવે અને તેનું બળ બતાવે તેવો દૃઢ નિર્ણય સાથે સામુહિક સોગંદ લઈએ.

(11:43 am IST)