Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભાવનગરમાં રજાના દિવસે આરટીઓ કચેરીમાં વૃક્ષ પાસે કાગળો સળગાવતા ભારે ચર્ચા

જુના કાગળોનો પંચ રોજકામ બાદ નાશ કરાયોઃ જે.જે.ચુડાસમા

ભાવનગર તા.૮: રાજય સરકારની કચેરીઓમાં આજે જાહેર રજા હોવા છતાં ભાવનગરની આર.ટી.ઓ. કચેરીમાં કચેરીને લગતા કાગળો સળગાવી દેવામાં આવતા કચેરીના સ્ટાફની આ કામગીરી ચર્ચાસ્પદ બની હતી.

રાજય સરકાર હસ્તકની કચેરીઓમાં આજે પરશુરામ જયંતિની જાહેર રજા હોવ છતાં ભાવનગરની આર.ટી.ઓ.કચેરીના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા બાદ કચેરીના સ્ટાફ દ્વારા કચેરીને લગતા કાગળ સળગાવવામાં આવ્યા હતા. ઝાડ પાસે કાગળો સળગાવવામાં આવતા ઝાડને પણ ઝાળ લાગી હતી.

કાગળ સળગાવવા અંગે આર.ટી.ઓ.કચેરીના અધિકારી જે.જે.ચુડાસમાને પુછતા તેમણે કચેરીના જુના કાગળો હોવાનું અને પંચ રોજકામ કર્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું.

આ અંગે અધિકારી જે.જે.ચુડાસમાએ માહિતી આપી હતી. જાહેર રજાના દિવસે આર.ટી.ઓ. કચેરી દ્વારા કાગળ સળગાવી દેવાની કામગીરીએ લોકોમાં ચર્ચા જગાવી હતી.

(11:40 am IST)