Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કાગદડીની ગૌશાળા માટે બેન્‍ડવાજા વગાડી ફાળો એકત્ર કરતા યુવાનોઃ કાલથી શ્રીમદ્દ ભાગવત્‌ સપ્તાહ

રાજકોટવાળા શાસ્‍ત્રી અનિલપ્રસાદ જોષી જ્ઞાનગંગા વહેવડાવશે : તા. ૧૧મીએ રામા મંડળ, ૧૨મીએ શ્રીનાથજીની ઝાંખી, ૧૩મીએ લોકડાયરો

રાજકોટ, તા. ૮ : રાજકોટ તાલુકામાં મોરબી રોડ પર આવેલ કાગદડી ગામમાં શ્રી વૃંદાવન ગૌસેવા ટ્રસ્‍ટ દ્વારા વૃંદાવનધામ, કાગદડી ખાતે આવતીકાલે તા. ૯ થી ૧૫ મે મંગળવાર સુધી ગૌસેવાના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્‍યાસાસને રાજકોટ નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શાસ્‍ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી (એમ.એ.બી.એડ્‍.-કાશી) બિરાજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવશે.

શ્રી વૃંદાવન ગૌસેવા ટ્રસ્‍ટ દ્વારા ખોડીયાર યુવક મંડળના સહયોગથી બેન્‍ડવાજા ગ્રુપ બનાવાયુ છે. ગામના સેવાભાવી યુવાનો શુભ પ્રસંગોએ બેન્‍ડવાજા વગાડવા જાય છે. તેમાથી મળતી આવક ગાયોના નિભાવ માટે વપરાય છે. યજમાનને બેન્‍ડવાજાના આનંદ સાથે ગૌસેવાનો મોકો મળે છે. હાલ ગૌશાળામાં નિરાધાર ૮૦ જેટલી ગાયો આશ્રય લઈ રહી છે. નિરાધાર, બિમાર, અશકત ગાયોના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ (પ્રેમશાસ્‍ત્ર-મોક્ષકથા)નું આયોજન કરાયેલ છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ સુધીનો રહેશે.

કથાની પોથીયાત્રા તા. ૯ બુધવારે સવારે ૯ વાગ્‍યે રામ મંદિરથી પ્રસ્‍થાન કરી વૃંદાવનધામ પહોંચશે. તા. ૧૨મીએ સાંજે ૬ વાગ્‍યે રામ અને કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ ઉજવાશે. તા. ૧૪મીએ કૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ થશે. સુદામા ચરિત્ર સાથે તા. ૧૫મીએ મંગળવારે સાંજે ૭ વાગ્‍યે કથાની પૂર્ણાહુતિ થશે. તા. ૧૧મીએ રાત્રે ૯ વાગ્‍યે રામા મંડળ, તા. ૧૨મીએ સાંજે ૪ વાગ્‍યે શ્રીનાથજીની ઝાંખી, તા. ૧૩મીએ રાત્રે લોકડાયરો રાખેલ છે. કાગદડી ગુરૂકૃપા આશ્રમના મહંત શ્રી ભૂપતબાપુ ગુરૂ શ્રી સીતારામબાપુએ આશિર્વાદ પાઠવ્‍યા છે. કરશનભાઈ મોહનભાઈ લીંબાસીયા પરિવારે શાસ્‍ત્રીજીનું ઉતારાનું યજમાન પદ સ્‍વીકાર્યુ છે. તમામ ભાવિકો માટે કથા દરમિયાન સાંજે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

વૃંદાવન ગૌસેવા ટ્રસ્‍ટના પ્રમુખ કરશનભાઈ લીંબાસીયા, મંત્રી કિશોરભાઈ જે. શંખાવરા, ટ્રસ્‍ટીઓ ખોડાભાઈ શંખાવરા, જગદીશભાઈ નસિત, મહેશભાઈ શંખાવરા, ભરતભાઈ લીંબાસીયા, પરેશભાઈ શંખાવરા, જીતેશભાઈ શંખાવરા, રાજેષભાઈ શંખાવરા, કિશોરભાઈ પી. શંખાવરા, અશોકભાઈ શંખાવરા, રજનીભાઈ શંખાવરા, પશુ ચિકિત્‍સક ડો. મયુરભાઈ રૈયાણી, ગાયોના રખેવાળ સવજીભાઈ તેમજ બેન્‍ડ પાર્ટીના સ્‍વયંસેવકોએ કથા શ્રવણનો લાભ લેવા તેમજ ગૌસેવામા સહયોગી બનવા સૌને અપીલ કરી છે. શુભ પ્રસંગોમાં બેન્‍ડવાજા પાર્ટી માટે મો. ૯૮૭૯૬ ૯૫૨૯૫ અથવા ૯૮૯૮૯ ૧૫૮૦૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.

 

(1:10 pm IST)