Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રાજ્‍યમાં આવતા મહિને ડ્રેનેજ રીસાયકલીંગ પોલીસી જાહેર કરાશેઃ વિજયભાઇ રૂપાણી

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો ટપક સિંચાઇ તરફ વળેઃ ગામે ગામ વરસાદનું પાણી સંગ્રહ કરવા મુખ્‍યમંત્રીનું આહ્‌વાનઃ સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે હિરણ નદીમાંથી કાંપ કાઢવાના ભગીરથ કાર્યનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી : દેશનું સૌથી મોટું જળ અભિયાન શરૂ કરી ગુજરાત પથદર્શક બન્‍યું: વિજયભાઇ

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન - પૂજન કરીને ધન્‍યતા અનુભવી હતી.

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૮ : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથમાં ત્રિવેણી સંગમમાં હિરણ નદીના કાંપને દૂર કરી પવિત્ર મીઠુ જળ સંગ્રહ કરવાના ભગીરથ કાર્યક્રમનો આજે સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત પ્રારંભ કરાવ્‍યો હતો. આ અવશરે મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં સૌથી મોટું જળ અભિયાન શરૂ કરી ગુજરાત જળસંપતિ બચાવવાના કાર્યમાં પથદર્શક બન્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુંમા કહ્યું કે, ભોળાનાથે જીવસૃષ્ટિના કલ્‍યાણ માટે ગંગાનું અવતરણ કર્યુ હતું. એજ સોમનાથદાદાના સાનિધ્‍યમાં ત્રિવેણી સંગ ખાતે હિરણ નદીના પવિત્ર પ્રવાહને પુનઃ જીવીત કરવામાં આવી રહ્યો છે તે એક આનંદનો અવસર છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતમાં પાણીની તંગી કે દુષ્‍કાળ ભૂતકાળ બને અને રાજય પાણીદાર થાય તે માટે સરકારશ્રી દ્વારા કરાયેલા નક્કર આયોજનની રૂપરેખા આપતા કહ્યું કે, દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી તેનો વપરાશ કરવા આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે રૂા. ૮૦૦ કરોડનો પ્‍લાન્‍ટ શરૂ થવા જઇ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિભાગોને ડીસેલીનેશન પ્‍લાન્‍ટનો લાભ મળવાનો છે.

વોટર રીસાઇકલીંગના બહુ આયામી પ્રોજેક્‍ટોની વાત કરી મુખ્‍યમંત્રીશ્રીએ કહ્યું કે, આગામી મહિને ગટરના પાણીનો પુનઃ ઉપયોગ થઇ શકે અને ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પુરી પાડી શકાય તે માટે ડ્રેનેજ રીસાયકલીંગ યોજના જાહેર કરાશે.

સુજલામ-સુફલામ જળ અભિયાન લોક સહયોગને લીધે આગળ ધપી રહ્યું છે તેમ જણાવી હાલ રાજયમાં ૧૩ હજાર તળાવો ઉંડા કરવા, ૬ હજારથી વધુ જેસીબી અને ૧૨ હજારથી વધુ ટ્રેકટર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. આ અભિયાનમાં ૧૧ હજાર લાખ ઘનફુટ માટીકાંપ દૂર થતાં સૌથી વધું જળ સંગ્રહ ક્ષમતા ઉભી થશે.

નર્મદાના વહી જતા પાણીને સંગ્રહ કરવા દક્ષીણ ગુજરાતમાં નર્મદા ડેમના નિચાણમાં નવો ડેમ રૂા. ૪,૦૦૦ કરોડના ખર્ચે બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોને જળ સંચય અભિયાનમાં માટીકાંપ ખેતરમાં નાંખી જમીનને ફળદ્રુપ કરવા અને ટપક સિંચાઇનો ઉપયોગ કરવા તથા ગામે ગામ વરસાદના પાણીને બચાવવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે કલેક્‍ટરશ્રી અજય પ્રકાશે સ્‍વાગત પ્રવચન કરતા કહ્યું કે, જિલ્લામાં જળ સંચયના ૨૧૯ કામો હાથ ધરવાનું આયોજન છે તે પૈકી હાલ ૭૨ કામો કાર્યરત છે. ત્રિવેણી ઘાટ ખાતે દોઢ લાખ ઘનફુટ માટીકાંપ સરકારશ્રી અને અંબુજા ફાઉન્‍ડેશનની લોક ભાગીદારીથી દૂર કરાશે. જિલ્લામાં જળ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ કહ્યું હતું.

અમદાવાદની સંસ્‍થા પુષ્‍પાંજલી અને ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા જળ સંચય ઉપર સુંદર નાટક રજુ કરાયું હતું. જળ એજ જીવન આધારિત ડોક્‍યુમેન્‍ટ્રીનું નિદર્શન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજયસભાના સાંસદ શ્રી ચુનીભાઇ ગોહેલ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઇ જોટવા, શ્રી કિશોરભાઇ કુહાડા, પૂર્વમંત્રીશ્રી જશાભાઇ બારડ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખશ્રી જગદીશભાઇ ફોફંડી, પૂર્વ ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પરમાર, સોમનાથ મંદિરના ટ્રસ્‍ટી શ્રી જે.ડી. પરમાર, અગ્રણીશ્રી સંજયભાઇ રૂપારેલીયા, શ્રી સરમણભાઇ સોલંકી, કલેક્‍ટરશ્રી અજય પ્રકાશ, ડી.ડી.ઓ.શ્રી શર્મા, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોઇસર, ક્ષાર અંકુશ વિભાગના અધીક્ષક ઇજનેરશ્રી એસ.એન.રાવ, કાર્યપાલક ઇજનેરશ્રી ઝાલા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ અને ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો, બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું  સંચાલન હારૂન વિહળ અને શ્રીમતી પ્રભાબેન પટેલે કર્યુ હતું. આભાર દર્શન ડી.ડી.ઓ.શ્રી અશોક શર્માએ કર્યું હતું.

ગુજરાતની કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કડકઃ ખંડણીખોરોની ખેર નથીઃ વિજયભાઇ

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૮ :  ગીર સોમનાથ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ત્રિવેણી સંગમ ઘાટે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કડક હોવાનું જણાવ્‍યું હતું અને રાજયમાં ખંડણીખોરોની ખેર નથી તેમ પણ કહ્યું હતું.

રોકાણકારો માટે યોગ્‍ય વાતાવરણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પાણીદાર બની રહ્યું છે તેમ પણ કહ્યું હતું.

 

(1:13 pm IST)