Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સમાજ સમરસતાની એક અનોખી પહેલઃ સાવરકુંડલા-સનરાઇઝ સ્કુલમાં સફાઇ કર્મચારીનાં લગ્નની વધામણી

સાવર કુંડલા તા. ૮ :.. ભુતકાળમાં અનેક ગામડાઓમાં પછાત અને વંચીત સમાજમાં યોજાતા લગ્ન સમારોહમાં કોઇને કોઇને પ્રકારે જુની રૂઢિચુસ્ત માન્યતાઓને લઇને અનેક વિધ્નો ઉભા કરાતા આપણે અનુભવ્યા છે ત્યારે ખારા રણમાં મીઠી વીરડી સમાન એક કિસ્સો ધ્યાનમાં આવ્યો.

સાવરકુંડલા સનરાઇઝ સ્કુલમાં છેલ્લા ર૦ વર્ષથી, પોતાનાં પરિવારની જેમ ઉછરેલા અને નાનપણથી જ શાળામાં સાફ-સફાઇનું કામ કરતાં વાલ્મિકી સમાજમાં અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા, બિપીન રવજીભાઇ પરમાર જે તમામ વિદ્યાર્થીઓમાં પ્રેમથી 'માઇકલ' તરીકે ઓળખાય છે. તાજેતરમાં તેનાં લગ્ન નકકી થતા, સનરાઇઝ સ્કુલ સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓએ સ્કુલમાં જ માઇકલને બાજોઠે બેસાડી, તેનાં શુભ લગ્નને વધાવ્યા હતાં. કોઇ શાળામાં, પોતાનાં સફાઇ કર્મચારીનાં લગ્નનાં વધામણા કરવામાં આવ્યા તેવો આ એકમાત્ર પ્રસંગ હશે. આ પ્રસંગે સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, માઇકલ એ અમારા પરિવારનો જ એક સભ્ય છે અને તેનાં લગ્નની જમણવાર સહિતની તમામ વ્યવસ્થા સંસ્થા તરફથી જ કરવામાં આવશે અને ધામધૂમથી લગ્નની ઉજવણી થશે. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સીપાલ સોનલબેન મશરૂએ કંકુ-ચોખા થી માઇકલને વધાવ્યો હતો.

(1:00 pm IST)