Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વિંછીયાના સોમ પીપળીયા ગામે ઉમઠ વીડીમાં ચેક ડેમ મંજૂર

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વન વિભાગ પાસેથી રૂ પ૪.૩૦ લાખની રકમ મંજૂર કરાવી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૮ :.. વિંછીયા તાલુકાના સોમ પીપળીયા ગામે ઉમઠ અનામત વીડી જરડાવાળા વોકળા ઉપર ચેક ડેમ બનાવવાનું કામ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નથી વરસો બાદ વન વિભાગ દ્વારા રૂ પ૪.૩૦ લાખની મંજૂર કરવામાં આવી છે.

ફોરેસ્ટ વિભાગ હસ્તક આવેલી ઉમટની વીડી, જરડાવાળા વોંકળા ઉપર ચેક ડેમ બનાવવામાં આવે તો જંગલ વિસ્તાર સહિતના આજુ બાજુના ૧પ થી વધુ ગામના લોકોના વાડી-ખેતરમાં પાણીના તળ ઉંચા આવી શકે તેમ છે તેવી રજૂઆત છેલ્લા ઘણા સમયથી સતત કરવામાં આવતી હતી.

પછાત અને કાયમી પાણીની અછતવાળા સોમ પીપળીયા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીનાં સંગ્રહ માટે અન્ય કોઇ વ્યવસ્થા નથી, ફોરેસ્ટ વિભાગ હસ્તક આવેલી ઉમટની વીડી, જરડાવાળા વોંકળા ઉપર ચેક ડેમ બનાવવામાં આવે તો જંગલ વિસ્તારમાં ઉનાળાના સમય દરમ્યાન લીલોતરી જળવાઇ રહેશે, જંગલ વિસ્તાર બચી શકે તેમ છે અને વન્ય પ્રાણીઓને ખોરાક-પાણી જંગલ વિસ્તારમાંથી પ્રાપ્ય થઇ શકે તેમ છે અને પર્યાવરણ-માનવજાતી માટે પછાત વિસ્તારમાં નવા ચેક ડેમનું નિર્માણ થશે તો પાણીના તળ ઉચા આવી શકે તેમ છે.

વિંછીયા તાલુકામાં મોટા ચેક ડેમ બનાવવા માટે પુરતી જમીન ઉપલબ્ધ નથી, જંગલ ખાતા હસ્તકની જમીનમાં ચેક ડેમ બનાવવામાં આવે તો જમીન-મકાન ડુબમાં જવાના પ્રશ્ન રહેતો ન હોવાથી વન વિભાગ દ્વારા ચેક ડેમના કામને મજૂર કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં સોમ પીપળીયા આજુબાજુના ગામ-વિસ્તારોમાં પાણીના તળ ઉંચા આવશે, ખેડૂતોને ખેતી પાકને પણ લાભ મળતો થશે.

(11:44 am IST)