Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કેશોદમાં કોરોના વચ્ચે તંત્ર ગંભીરતાથી પગલાં ભરશે ખરા ?

લોકડાઉન આવશે એવી દહેશતથી પાન મસાલા બીડીના રસિયાઓએ ખરીદવા પડાપડી કરી

(કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા. ૮:  કેશોદ શહેરમાં હોળી ધુળેટી નાં તહેવારો પછી છેલ્લાં દશેક દિવસથી કોરોના મહામારી એ માઝા મુકી છે અને રોજનાં સરેરાશ સાઈઠ જેટલા કેસ આવી રહ્યાં છે. સ્થાનિક આરોગ્ય વિભાગ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સેનેટાઈઝ કરાવે છે પરંતુ આંકડાકીય માહિતી છુપાવી છટકવા માંગે છે. કોવીડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ દરેક સરકારી અર્ધસરકારી કચેરીઓમાં થર્મલ ગન થી સ્કેનીગ કરવું ફરજિયાત છે ત્યારે કેશોદ શહેરમાં કોઈ પણ જાહેર જનતા એકઠી થતી હોય એવાં સ્થળોએ થર્મલ સ્કેનીગ,સેનેટાઈઝર કરવામાં આવતું જ નથી જેથી સંક્રમણ વધવાની સંભાવના વધી ગઇ છે. કેશોદ શહેરમાં જાહેર માર્ગો પર બિનજરૂરી અડીંગો જમાવીને બેઠેલા લોકોને કોઈ ભગાડવા વાળું નથી. કેશોદ શહેરમાં આવેલાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન કે રાષ્ટ્રીયકૃત બેંકો અને બહુરાષ્ટ્રીયકૃત બેંકો સહકારી મંડળીઓની શાખાઓ, સરકારી કચેરીઓમાં થર્મલ સ્કેનીગ કરવામાં આવે તો કોરોના મહામારી કાબુમાં રાખી શકાય. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર સ્થળો ઉપર નિયમિત સેનેટાઈઝ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી દહેશત વચ્ચે કેશોદ શહેરમાં બપોર બાદ પાન મસાલા બીડીના રસિયાઓએ ખરીદવા પડાપડી કરી હતી અને પંદર વીસ દિવસ ચાલે એટલો કાચાં માલનો ભરાવો કરી લીધો હતો અને કાળાંબજારથી નફો રળવા માટે અમુક લોકોએ જથ્થાબંધ ખરીદી કરી હતી, ગૃહિણીઓ દ્વારા પણ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. કોરોના મહામારી કાબુમાં લેવા માટે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક નક્કર કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં કેશોદ શહેર તાલુકામાં સ્થિતિ વણસે તો નવાઈ નહીં. કેશોદ શહેરમાં આવેલી કચેરીઓમાં અને જાહેર સ્થળો એ કોરોના મહામારી અટકાવવા નાં સુત્રો સુચનો ભીંતો ની શોભા વધારી રહ્યાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પગલાં ભરવા એ સમયની જરૂરિયાત છે. કોવીડ-૧૯ ગાઈડ લાઈન ની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે તો જ પરિણામ લાવી શકાશે.

(11:34 am IST)