Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

પોલીસ પેટ્રોલિંગ વચ્ચે નાઇટ કર્ફયુ દરમિયાન ભુજ અને ગાંધીધામમાં રાત્રે સન્નાટો

દુકાનદારોને સમયસર દુકાનો વધાવવા ભુજ - ગાંધીધામ વ્યાપારી મંડળની અપીલ : મેડિકલ સ્ટોર પણ બંધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : કોરોનાના કહેર વચ્ચે રાજયમાં ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફયુ માટે સરકારે આપેલા આદેશને પગલે કચ્છના મુખ્ય બે શહેરો ભુજ અને ગાંધીધામમાં ગઈકાલ રાતથી જ અમલ શરૂ થઈ ગયો છે.

જોકે, નાઈટ કર્ફયુનો ગઇકાલે પ્રથમ દિવસ હોઈ પોલીસે લોકોને થોડી છૂટછાટ આપી અને આજથી કડક અમલ કરવાની ચેતવણી ઉચ્ચારી છે.

બહારથી આવતાં રેલવે, બસ, એરપોર્ટ, ખાનગી ભાડૂતી કરના પ્રવાસીઓ વગેરેને પ્રવાસના આધાર પુરાવાઓ રજૂ કરવા સૂચના અપાઇ છે. આ સિવાય સરકારી ગાઇડલાઈન મુજબ જેમને રાત્રિ કર્ફયુ મુકિત અપાઈ છે એ વ્યકિતઓ કે વાહનોને છૂટછાટ રહેશે. ગઇકાલે પ્રથમ દિવસે શરૂઆતના અડધા કલાક બાદ પોલીસની ચેકીંગ સાથે જ કચ્છના બન્ને શહેરોના ધમધમતાં મુખ્ય રસ્તાઓ સુના બની ગયા હતા.

ભુજ અને ગાંધીધામમાં વ્યાપારી મંડળો દ્વારા નાના મોટા દુકાનદારોને રાત્રે સમયસર દુકાન વધાવી કર્ફયુ માટે સહકાર આપવા અપીલ કરાઇ છે. તો, રાત્રે દવાની દુકાનો પણ બંધ રહેશે એવું કચ્છ કેમિસ્ટ કાઉન્સીલે જણાવ્યું છે. કોઈ ઈમરજન્સી હશે તો જ દવા માટે મેડિકલ સ્ટોર ખોલાશે.

(10:59 am IST)