Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કચ્છમાં કાકી સામે છૂટું ધારિયુ ફેંકી મારવા દોડેલા કાકાની ભત્રીજાને હાથે હત્યા

પતિ પત્ની વચ્ચે મોબાઇલ ચાર્જ કરવાની આનાકાનીએ ઉગ્ર સ્વરૂપ લીધું : ભત્રીજાએ કાકાને ટપારતા બંને વચ્ચે ચકમકમાં હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : પતિ પત્નીમાં સામાન્ય બાબતો વચ્ચે થતો કલેશ ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરે છે. હા અને ના વચ્ચેના વેરમાં સહનશીલતાનો અભાવ ઝઘડામાં ઘી હોમવાનું કામ કરે છે અને દામ્પત્યજીવન જીવન નંદવાય છે, જેનો ભોગ નિર્દોષ સંતાનોને બનવું પડે છે.

રાપરના કીડિયાનગર ગામે વાડી વિસ્તારમાં રહી મજૂરી કરતાં પ્રવીણ વેરસી કોલીએ તેની પત્ની મીરાબેનને મોબાઈલ ચાર્જમાં મૂકવાનું કહેતા રસોઈ કરતી પત્નીએ પછી મૂકું છું, એવું કહેતા પતિ પ્રવીણ ઉશ્કેરાયો હતો.

પત્ની સાથે ઝઘડો કરી પ્રવીણ ધારિયું છૂટું ઘા કરતાં પત્ની પોતાના બે સંતાનો સાથે જીવ બચાવવા ઝૂંપડા બહાર દોડી ગઈ હતી.

પતિ પાછળ દોડ્યો હતો. દરમ્યાન પોતાના કાકાને કાકીને મારવા પાછળ દોડતાં જોઈને ભત્રીજા નરશી ભીખુ લાંબરિયાએ કાકાને ટપાર્યા હતા.

 જેના કારણે કાકા ભત્રીજા વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં ભત્રીજા નરશી એ કાકા પ્રવીણને માથામાં ધોકો ફટકારતાં તેનું મોત નિપજયું હતું.

આ બનાવ બાદ મૃતકની પત્નીએ ભત્રીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

(11:01 am IST)