Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મોરબીમાં તંત્રની માનવતા મરી પરવારી : પરિવારજનોને 12 કલાકે મૃતદેહના અંતિમ દર્શન

મોરબીમાં આજે પણ કોવિડ ગાઈડ લાઈનથી 8 મૃતદેહોની અંતિમવિધિ

મોરબી : મોરબીમાં યમરાજે ડેરાતંબુ તાણ્યા હોય તેવી સ્થિતિમાં ગઇકાલની જેમ આજે પણ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા આઠ – આઠ મૃતદેહોની કોવિડ ગાઈડ લાઈન મુજબ મોરબી ફાયર બ્રિગેડ અંતિમ વિધિ કરી હતી. જો કે સિવિલ હોસ્પિટલમાં માનવતા જાણે મરી પરવારી હોય તેમ ગઈકાલે રાત્રે દર્દીના સ્વજનોને મોતની જાણ કર્યા બાદ 12 કલાક પછી પણ મૃતદેહના અંતિમ દર્શન થઈ શક્યા ન હતા આવા સંજોગોમાં હવે મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ સુરત વાળી કરી જવાબદાર સિવિલ સર્જન સહિતનાને ઢંઢોળવા પડે તો જ તંત્ર સુધરે તેમ હોવાનું સ્પષ્ટ બન્યું છે.

મોરબીમાં હવે કોરોના કાળ બનીને ત્રાટકતા ભયાવહ સ્થિતિ સર્જાઈ છે અને દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા હોવાથી સ્મશાનની સાથે – સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીના અંતિમ દર્શન માટે પણ લાંબો ઇન્તજાર કરવો પડતો હોવાની ગંભીર અને અત્યંત આંચકાજનક હકીકત સામે આવી છે, બીજી તરફ આજે પણ મોરબીમાં ફાયર બ્રિગેડ દ્વારા એક, બે નહિ પરંતુ આઠ – આઠ મૃતદેહોની કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

(12:06 am IST)