Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જસદણના ડોડીયાળાના નર્સને કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પીટલમાં: આરોગ્ય કર્મચારીઓ અને ગામમાં નિરીક્ષણ

૫૦ ઘરોમાં આરોગ્ય તપાસણીઃ સાંજે રીપોર્ટ આવશેઃ ડો. ગૌરવ ઘોડાસરા

આટકોટ, તા. ૮ :. જસદણના તાલુકાના ડોડીયાળાના નર્સને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સિવીલ હોસ્પીટલમાં ખસેડેલ છે. જેના રીપોર્ટ સાંજે આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણ તાલુકાના જીવાપર આરોગ્ય કેન્દ્ર હેઠળના ડોડીયાળામાં નર્સ તરીકે ફરજ બજાવતા ૩૧ વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જોવા મળતા તેમને રાજકોટની સિવીલ હોસ્પીટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ગઈકાલે હોસ્પીટલમાં ખસેડાયા બાદ આજે તેમના સેમ્પલ લેવાયા હતા અને સાંજે તેમનો રીપોર્ટ આવશે.

શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા ડોડીયાળામાં ૫૦ ઘરોમાં આરોગ્ય ટીમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત તેમની સાથે ફરજ બજાવતા જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા કર્મચારીઓની તબીયત અંગે પણ તપાસ હાથ ધરાઈ છે તેમ જીવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વડા ડો. ગૌરવ ઘોડાસરાએ જણાવ્યુ હતું.

આ મહિલા નર્સ સાથે કામ કરનાર આશાવર્કરો તથા આંગણવાડી બહેનોનું પણ આરોગ્ય ચકાસવામાં આવ્યુ છે.

(1:10 pm IST)