Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ભાવનગરમાં કોરોના દર્દી રોગમુકત થતા હોસ્પિટલમાંથી રજાઃ જુદા-જુદા વિસ્તારો હોટ સ્પોટ જાહેર

ભાવનગર, તા.૮: ગત તા.૨૯ માર્ચના રોજ ભાવનગર શહેર ના ઘોઘા જકાતનાકા ખાતે રહેતા ૭૦ વર્ષીય જશુભાઈ ધનજીભાઈ જાંબુચાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા. ત્યારબાદ આજ તા. ૭/૪/૨૦૨૦ની સવાર સુધી આઇસોલેશન વોર્ડમા આરોગ્ય વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે દર્દીની સેવામા ખડે પગે રહી સતત ૧૦ દિવસ સુધી દર્દીની સઘન સારવાર હાથ ધરી હતી. સાથો સાથ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, સર.ટી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી વિકાસ સિન્હા, ડીન શ્રી મેડિકલ કોલેજ, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી સિન્હા, કાર્ડિયાક, એનેસ્થેસિયા, ચ્.ફ.વ્. વગેરે વિભાગોના ડોકટરો અને તેમની ટીમની સેવા સુશ્રુષા અને મહેનત રંગ લાવી અને દર્દીનો ગત ચોવીસ કલાક દરમિયાન ૨ વખત કરવામા આવેલ રિપોર્ટ નેગેટીવ આવતા દર્દીને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરી આજે સવારે તેમને તાળીઓના ગડગડાટ સાથે સારવારમા રહેલ મેડિકલ તેમજ પેરામેડિકલની ટીમ દ્વારા બંને બાજુ કતારમા ઉભા રહી ભાવપૂર્ણ વિદાય અપાઇ હતી.

આ કોરોના દર્દી માનસિક રીતે ભાંગી ન પડે અને તે સ્વસ્થ અને રોગમુકત બને તે માટે મેડિકલ ટીમના સભ્યો દ્વારા આઇસોલેશન વોર્ડમા તેમને સારવારની સાથે-સાથે સતત પ્રોત્સાહન અને સહકાર આપવાનુ પણ ઉમદા કાર્ય કર્યું હતું. દર્દીની સાર સંભાળ માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા જે જહેમત ઉઠાવી હતી તે તમામ અભિનંદનને પાત્ર છે.અને આ તમામની કાર્ય કુશળતા, કૃતજ્ઞતા અને ફરજ નિષ્ઠાને સો સો સલામ છે.

(11:41 am IST)