Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ધોરાજીમાં હનુમાનજી મહોત્સવ રદઃ ભાવિકો દ્વારા પોતાના ઘરમાં પ્રાર્થના

 ધોરાજી, તા.૧૪:ધોરાજીમાં આજરોજ હનુમાન જયંતિ નિમિત્ત્।ે સમગ્ર ધોરાજી શહેરમાં જાણે દિવાળી હોય તે પ્રકારનો ઉત્સવ ગલીએ-ગલીએ વિસ્તારો વિસ્તારોમાં યોજાતો હોય છે તેમજ મોટા ધર્મસ્થાન સ્થાનોમાં પણ હનુમાન જયંતી મહોત્સવ ઉજવાતો હોય છે પરંતુ આજે કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર રાજયમાં લોકડાઉન છે. ત્યારે રાજય સરકારની અપીલ ને ધ્યાનમાં રાખી સમસ્ત હિન્દુ સમાજે હનુમાન જયંતી મહોત્સવ ઉજવવાનું બંધ રાખેલ છે. પરંતુ હનુમાન જયંતી મહોત્સવ દરેક હિન્દુ પરિવારે આજરોજ પોતાના જ ઘરમાં હનુમાન ચાલીસાના પાઠ કરી રોગને નાબૂદ કરવાના સંકલ્પ સાથે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરી હતી.

ધોરાજીના દરબારગઢ પાસે આવેલ શ્રી બાલયોગી હનુમાનજી મહારાજના મંદિર ખાતે છેલ્લા ૨૨ વર્ષથી ભવ્ય હનુમાન જયંતી મહોત્સવ ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ સાથે સાથે ૬ થી ૭ હજાર લોકો મહાપ્રસાદ લેવા આવતા હોય છે પરંતુ આ વર્ષે રાજય સરકારની વિનંતીને માન આપી તમામ કાર્યક્રમ બંધ રાખ્યા છે માત્ર મંદિર ખાતે નિયમ પ્રમાણે પૂજા અર્ચન મહાઆરતી અને મહાપ્રસાદનો ભોગ ધરવામાં આવ્યો છે બાકી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવ્યો હતો

આ સમયે શ્રી બાળયોગી હનુમાનજી મંદિર હનુમાન જયંતી મહોત્સવ સમિતિના કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ પઢીયાર, બીપીનભાઈ મકવાણા, રાજુભાઈ પોપટ, રોહિતભાઈ પઢીયાર, પીન્ટુભાઇ સૂચક, વિશાલ રાદડિયા, દિપકભાઈ ગોંડલીયા, વિગેરે સભ્યો દ્વારા હનુમાન જયંતી મહોત્સવને ધ્યાનમાં રાખી મૂંગા પશુઓ ગાય કુતરા પક્ષીઓને આજરોજ નિરણ લાડુ ગાંઠીયા વિગેરેનો મહાપ્રસાદ બનાવી મુંગા પશુ પક્ષીઓની સેવા કરી હતી અને ખરા અર્થમાં હનુમાન જયંતી મહોત્સવ આ પ્રકારે ઉજવ્યો હતો.

ધોરાજીના પ્રાચીન ગણાતા શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે હનુમાન જયંતી મહોત્સવ આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં યોજાતો હતો પરંતુ આ વર્ષ માટે સંપૂર્ણ જાહેર કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે અને માત્રને માત્ર મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ એકાંતમાં જઈ હનુમાન જયંતી મહોત્સવ ની ઉગ્ર તપશ્યર્યા કરી હતી.

આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ હનુમાન જયંતી પૂર્વે જણાવેલ કે હાલમાં કળિયુગની અંદર હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે ત્યારે સૌ હિન્દુ પરિવાર કોરોના મહામારી ના સમયમાં જાહેરનામાનો ભંગ ન થાય અને સરકાર શ્રીની સુચનાનું સંપૂર્ણ પાલન થાય તે હેતુથી દરેક ભાવિક ભકતજનો પોતાના જ ઘરમાં હનુમાન જયંતી મહોત્સવમાં વધુમાં વધુ હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન કરે તો સો ટકા આ રોગ નાબૂદ થશે તે પ્રકારના આશીર્વાદ પાઠવ્યા હતા.(

(11:39 am IST)