Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મૂળાની વિધિ કરનાર જયોતિષ અશ્વિન મહેતાની ડીંડક લીલા ઉઘાડી પડી ગઇ : વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ

તાલુકા પોલીસની મદદથી ઓપરેશન પાર : લોકોને છેતરવાનું કામ છોડી દેવા લેખિત કબુલાત

રાજકોટ તા. ૮ : છેલ્લા દસેક વર્ષથી  દોરાધાગા, મુળાની વિધીથી ઉતારનું કામ અને જયોતિષ જોવાનું કાર્ય કરતા અશ્વિન મહેતાની ડીંડકલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ખુલ્લી પાડી દીધી છે.

જાથા દ્વારા તાલુકા પોલીસની મદદથી આ ૧૦૮૩ મો સફળ પર્દાફાશ કરાયો હતો. જાથાની યાદીમાં જણાવ્‍યા મુજબ શ્રીરામ ટાઉનશીપમાં રહેતા હિતેષભાઇ અચાનક બીમાર પડી જતા ડોકટરી સારવારની સાથે કોઇની સલાહથી જુના મોરબી રોડ, મારબલના ડેલા પાછળ બજરંગ પાર્ક શેરી નં. ૪ માં રહેતા અને જયોતિષીનું કામ કરતા અશ્વિન મહેતા પાસે ઇલાજ શરૂ કરાવ્‍યો હતો. અશ્વિન મહેતાએ આ માટે ઉતાર મઢમાં મુકવા રૂા. ૨૫૦૦ અને બાદમાં અન્‍ય વિધિના નામે રૂા.૪૦૦૦ માંગ્‍યા હતા. મુળાની વિધિ કરી હતી. પરંતુ દર્દીને સારૂ ન થતા છેતરાયાની અનુભુતિ થઇ હતી.

આવો જ અનુભવ ધોરાજીના વકીલ અશ્વનભાઇ નાનજીભાઇ ગોહેલને પણ થયો. પરંતુ તેમણે પાઠ ભણાવવાનો મનસુબો બનાવી વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી સઘળી હકીકતો જણાવી હતી. જાથાની ટીમે તાલુકા પોલીસનો સાથ લઇ જયોતિષ અશ્વિન મહેતાને ઘેરામાં લીધો હતો. પોલીસે મેળવેલી પૂર્વ પ્રાથમિક વિગતોમાં જયોતિષ અશ્વિનના બે વખત ઘર ભંગ થયુ છે. પ્રથમ પત્‍નિ છુટાછેડા લઇ ચુકી છે. જયારે બીજી પત્‍નિ છોડીને ચાલી ગઇ છે.

પોલીસ અને જાથાની ટીમ આવતા નરમ પડી ગયેલા અશ્વિન જયોતિષએ માફામાફી કરી લીધી હતી. હવેથી લોકોને નહીં છેતરવાની લેખીત કબુલાત આપી હતી. પોલીસે અટકાયતી પગલા લઇ ભોગ બનેલાઓના નિવેદન નોંધ્‍યા હતા.

આમ જાથા અને પોલીસના પ્રયાસોથી વધુ એક કપટલીલા સંકેલવામાં સફળતા મળી હોવાનું જાથાના ચેરમેન જયંત પંડયાએ એક યાદીના અંતમાં જણાવેલ છે.

 

(4:35 pm IST)