Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ધ્રાંગધ્રાના નવલગઢ ગામે કેનાલમાં ડૂબેલા બીજા ભાઇની પણ લાશ મળી આવી

સુરેન્‍દ્રનગર ફાયરબ્રિગેડની ટીમને ૭૨ કલાક બાદ સફળતા : પરપ્રાંતીય પરિવાર શોકમગ્ન : બંને ભાઇના એક સાથે મોતથી કલ્‍પાંત

વઢવાણ તા. ૮ : સુરેન્‍દ્રનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી પસાર થતી મુખ્‍ય અને માઈનોર કેનાલમાં અવાર-નવાર અકસ્‍માતે ડુબી જવાથી લોકોના મોતના બનાવો વધી રહ્યાં છે ત્‍યારે ત્રણ દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે સગા પરપ્રાંતીય ભાઈઓ અને કામદારો ડુબ્‍યા હતાં જે પૈકી એક કામદારની લાશને પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા તેજ દિવસે ગણતરીના કલાકોમાં બહાર કાઢી હતી જયારે અન્‍ય કામદારની શોધખોળ હાથધરવામાં આવી હતી અને ત્રણ દિવસની ભારે જહેમત બાદ પાલિકાના તરવૈયાઓએ સાયફનમાં ફસાયેલ અન્‍ય કામદારની લાશને પણ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

મળતી માહિતી મુજબ ત્રણ દિવસ પહેલા કેનાલ પાસે બેસીને મોબાઈલમાં સેલ્‍ફી લઇ રહ્યાં હતાં તે દરમ્‍યાન પગ લપસતાં બંન્ને સગાભાઈઓ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં કેનાલ પર ઉમટી પડયાં હતાં અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં ઘટના સ્‍થળે આવી પહોંચી હતી અને સુરેન્‍દ્રનગર પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ડુબેલ બે કમદારો પૈકી કામદાર વિક્રમ સજ્જનરામ મેગવાન ઉ.વ.૨૩ની લાશને બહારકાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જયારે અન્‍ય યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ જ પત્તો લાગ્‍યો નહોતો

ત્રીજે દિવસે નવલગઢ ગામની કેનાલ પાસે સાયફનમાં પરપ્રાંતીય કામદારની લાશને પણ બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી. આમ બે સગાભાઈઓના કેનાલમાં ડુબી જવાથી મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(1:33 pm IST)