Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આ વખતે સંતોની પણ પાંખી હાજરી

આમ જનતા માટે મેળો બંધ રહેતા વેપાર - ધંધાને ભારે અસર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : ભવનાથ ખાતે ગઇકાલથી માત્ર સંતો માટે જ શરૂ થયેલ શિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ પણ સવારથી સુમસામ રહયો છે.

આ વર્ષે લોકો વગરના મેળામાં સંતોની પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે કોરોના સંકટ અને સંક્રમણની દહેશતને લઇ લોકો માટે શિવરાત્રી મેળો રદ કરવામાં આવ્યો છે. જો કે ગઇકાલે સંતો માટે યોજાયેલ શિવરાત્રી મેળાનો ભવનાથ મંદિર પર સંતોના હસ્તે નુતન ધ્વજારોહણ સાથે ભકિતસભર શુભારંભ કરવામાં આવેલ.

સામાન્ય લોકો મેળામાં પ્રવેશ ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર રવિવારે બાળકો સાથે ભવનાથ ખાતે પહોંચતા નગરજનો ભવનાથમાં પ્રવેશબંધી  ન મળતા ભુલકા જમ્પીંગ સહિતની મોજ મજાથી વંચીત રહયા હતા.

કોરોના મહામારીના કારણે આમ જનતાને મેળામાં પ્રવેશ અપાયો ન હોય લોકોની હાજરીના અભાવે શિવરાત્રી મેળાની રોનક જાણે છીનવાઇ ગઇ હોય તેમ જણા રહયું છે. ગઇકાલની માફક આજે પણ ભવનાથ ખાલીખમ  જોવા મળે છે. આ વર્ષે શિવરાત્રી મેળામાં ભકિત ભજન માટે આવતાં સંતો મહાત્માઓની પણ પાંખી હાજરી રહી છે. જો કે પધારેલા સંતો ધુણી  ધખાવીને શિવ આરાધનામાં લીન થયા છે.

આમ જનતા માટે મેળો બંધ રહેવાને કારણે જુદા જુદા વેપાર ધંધાને અસર થઇ છે. બીજી તરફ લોકો ઘરે બેઠા શિવરાત્રી મેળો માણી શકે તે માટે મેળાનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહયું છે.

(1:10 pm IST)