Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ટૂરિસ્ટ સીટી ભુજના નગરજનોની નગરપાલિકામાં કુશળ શાસકની ઈચ્છા ભાજપ મોવડી મંડળ પૂરી કરશે?

જો જો હો, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ભૂલી લોકોએ ભાજપમાં મૂકેલો વિશ્વાસ એળે ન જાય, ત્રણ દાયકાથી ભાજપનું શાસન અને વર્ષે ૧૦૦ કરોડની ગ્રાન્ટ, નર્મદાનું પૂરતું પાણી હોવા છતાંયે ભુજની હાલત કફોડી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૮: છેલ્લા ઘણા વર્ષોથી ગેરવહીવટ અને ભ્રષ્ટાચારને કારણે વધુ ચર્ચામાં રહેલી ભુજ નગરપાલિકાની વર્તમાન ચૂંટણી દરમ્યાન રાજકીય નવાજૂની થશે એવા એંધાણ વચ્ચે પણ ભુજના મતદારોએ મુખ્યમંત્રી વિજયભાઈ અને પ્રમુખ સી.આર. પાટીલની જોડીમાં વિશ્વાસ મૂકી બહુમતી સાથે ભાજપને જીત અપાવી. પણ, હવે ભુજના નગરજનોમાં સૌથી મોટો ચર્ચાતો સવાલ એ જ છે કે, શું ભુજ નગરપાલિકામાં કુશળ શાસકને વહીવટની બાગડોર ભાજપ મોવડી મંડળ સોંપશે? આ સવાલ એટલા માટે છે કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને ગુજરાતમાં વિજયભાઈના નેતૃત્વમાં વર્ષે સરેરાશ ૧૦૦ કરોડ રૂપિયા જેવી અઢળક ગ્રાન્ટ અને પીવા માટે નર્મદાનું પૂરતું પાણી દરરોજ અઢી લાખની વસ્તી ધરાવતા ભુજ જેવા શહેરને મળે છે. જેનો ખરેખર જો યોગ્ય વહીવટ સાથે કાળજીપૂર્વક વહીવટ કરાય તો ભુજ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બની રહે. પણ, કમનસીબે ભુજ પાલિકામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર તેમ જ ચોક્કસ કર્મચારીઓના વહીવટના કારણે લોકોમાં ભારે નારાજગી છે. લોકોની વાત છોડો ખુદ ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા તેમ જ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની ટકોર પણ ભુજ પાલિકાના શાસકો સાંભળતા નહોતા. અરે.. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈએ પણ ભુજ પાલિકાના શાસકોને ટકોર કરવી પડી હતી. પણ, વહીવટ સુધર્યો નહીં. પણ, હવે જયારે નવા શાસકો ચૂંટાયા છે, ત્યારે ભાજપ સરકાર અને સંગઠન બન્ને પાસે તક છે કે, કુશળ શાસકને સત્ત્।ા આપે. ત્રીસ વર્ષથી ભુજના મતદારોએ ભાજપના શાસનમાં વિશ્વાસ મૂકયો છે અને હવે આવનારા સમયમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ આવવાની છે ત્યારે ભાજપ મોવડીમંડળ ભાજપ પ્રત્યે ભુજની પ્રજાએ મૂકેલો વિશ્વાસ સાર્થક કરવાની ઉમદા તક છે. ભૂકંપ પછી કરોડો રૂપિયાને ખર્ચે ભુજનું નવનિર્માણ કરી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટુરિઝમને પ્રોત્સાહન આપી ભુજને ટુરિસ્ટ સીટી પણ બનાવ્યું. તો, વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈએ ટુરિઝમના પ્રોત્સાહન સાથે પ્રજાલક્ષી વહીવટ અંતર્ગત નગરપાલિકાના વિકાસની ગ્રાન્ટમાં અઢળક વધારો કર્યો. પરંતુ, ભુજ પાલિકાના શાસકો વ્યકિતગત સ્વાર્થને છોડી ન શકયા પરિણામે છતે પૈસે શહેરની હાલત કફોડી થઈ, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારે શાસનને ઘેરી લીધું. પણ, હવે શું?

પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે યોગ્ય પસંદગી કરી ભાજપ મોવડીમંડળ ભુજના મતદારોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ જાળવશે?

વર્તમાન સમયે ભુજ નગરપાલિકાને જરૂર છે, અનુભવી શાસકની. જે ન માત્ર સૌને સાથે લઈને ચાલે, પણ.. પોતાના પક્ષનું સન્માન અને પ્રતિષ્ઠા પણ વધારે. આ વખતે પાલિકા પ્રમુખ તરીકે પ્રથમ અઢી વર્ષ સુધી સામાન્ય બેઠક છે. ત્યારે હમણાં ચૂંટાયેલા નગરસેવકો પૈકી પ્રમુખ તરીકેના દાવેદારોની જો વાત કરીએ તો ગુજરાતના જૂના જનસંઘી નેતા અને ભુજના લોકપ્રિય નગરપતિ સ્વ. રસિકભાઈ ઠકકર ના પુત્ર ઘનશ્યામ રસિકભાઈ ઠકકર રેસમાં આગળ છે. જિલ્લા ભાજપના પ્રવકતા તરીકે એકદમ સફળ કામગીરી કરનાર ઘનશ્યામ રસિકભાઈ ઠકકર અગાઉ પણ નગરસેવક રહી ચૂકયા છે અને ભુજના પ્રશ્નોના સારા અભ્યાસુ છે. સ્વખર્ચે લોકોના કામ કરનાર જગત વ્યાસ, અનુભવી નગરસેવક ઘનશ્યામ સી. ઠકકર અને રાજેશ ગોર તો પ્રથમવાર ચૂંટાયેલા સહકારી ક્ષેત્રના આગેવાન મનુભા જાડેજા ઉપરાંત બીજી વખત ચૂંટાયેલા અને નિર્વિવાદ રહેલા યુવાન નગરસેવક મહિદીપસિંહ જાડેજા, પ્રથમ વખત ચૂંટાયેલા કમલ ગઢવી, સાત્વિક ગઢવી પણ સ્પર્ધામાં છે. પ્રમુખ જેટલી જ મહત્વની જવાબદારી કારોબારી ચેરમેનની છે. કારણ,નાણાકીય સત્ત્।ા કારોબારી પાસે હોય છે. અગાઉના શાસન સમસ્યાની જડ થવાનું મૂળ કારણ મલાઈદાર એવું કારોબારી ચેરમેનનું પદ જ હતું. એટલે પ્રમુખની સાથે તાલમેલ મેળવી શકે એવા નિર્વિવાદ નગરસેવકની કારોબારી ચેરમેન તરીકે વરણી કરવી જોઈએ.

ભુજના લોકોને પોતાના શહેરનો વિકાસ કરે સાથે સાથે જેના હૈયે લોકોનું હિત હોય, લોકોની સુખાકારી માટે કામ કરી શકે એવા પ્રમુખ, કારોબારી ચેરમેન અને નગરસેવકોની જરૂરત છે. તો,પક્ષ સામે નરેન્દ્રભાઈ, વિજયભાઈ અને સી.આર. પાટીલની સાથે ભાજપની છબીને પણ ઉજ્જવળ કરી શકે તેવા કાર્યકરને મહત્વના પદ્દની જવાબદારી સોંપવાનો પડકાર છે. આશા રાખીએ કે યોગ્ય વ્યકિતને સુકાન સોપાશે જે ભુજની પ્રજાને નિરાશ નહીં કરે.

(11:15 am IST)