Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કેશોદના નાની ઘંસારીના ખેડૂતે ઇસબગુલનું વાવેતર કરી ઓછા રોકાણે વધુ વળતર મેળવ્યું

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૮: ખેડુતો શિયાળું પાકમાં મુખ્યત્વે ઘઉનું વાવેતર કરવાનુ વધુ પસંદ કરતા હોય છે. જયારે થોડા વર્ષોથી ઘઉના વાવેતરમાં તમામ ખર્ચ બાદ કરતાં ખેડુતોને પુરતું વળતર ન મળવા સાથે પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શિયાળું પાકમાં ઘઉની જગ્યાએ અન્ય ખેત પેદાશોનું વાવેતર કરવા ખેડુતો પ્રેરાઈ રહ્યાછે.

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ ૨૫ વિઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું છે જેને ગ્રામ્ય વિસ્તારમાં ઉંધુ જીરૂ તરીકે પણ ઓળખવામાં આવેછે ઈસબગુલના વાવેતરમાં બિયારણનો પ્રતિ વિઘે માત્ર સો રૂપિયા જેટલો ખર્ચ થાયછે જે સિવાય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છંટકાવ પણ માત્ર નહીવત જરૂરી હોયછે. પરંતુ ચાર મહીના જેટલા સમયગાળામાં ઈસબગુલનો પાક તૈયાર થાયછે. ઈસબગુલના ઉત્પાદન બાબતે નાની ઘંસારી ગામના ખેડુત અરવિંદભાઈ હડિયાએ જણાવ્યું હતું કે પ્રતિ વિઘે દશ મણથી લઈને પંદર મણ સુધીનું ઉત્પાદન થાયછે.તેમજ જેનો પ્રતીમણ બે હજારથી પચ્ચીસ સો રૂપિયા સુધીનો બજાર ભાવ મળી રહેછે. એટલેકે અન્ય પાકની સરખામણીએ ઓછા રોકાણે ખુબજ વધુ વળતર મળેછે.

ઈસબગુલના વેંચાણ માટે મુખ્યત્વે ઉંઝા માર્કેટીંગ યાર્ડ મુખ્ય પીઠુ માનવામાં આવેછે. પણ તમામ તાલુકા મથકોએ વેપારીઓ દ્વારા પણ ઈસબગુલની ખરીદી કરવામાં આવેછે ઘઉના ઉત્પાદનની દ્રષ્ટિએ ઈસબગુલના વાવેતરમાં ડબલથી પણ વધું આવક થતી હોવાથી અનેક ખેડુતો ઈસબગુલનું વાવેતર કરી રહયા છે.

(11:14 am IST)