Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પોરબંદર જિલ્લામાં ૯ર બાળકોને ગંભીર બીમારી

જિલ્લામાં રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ હેઠળ ૧૦ માસમાં ૮૯ હજાર બાળકોના આરોગ્‍યની ચકાસણીઃ ગંભીર બીમારીવાળા બાળકોને વિનામૂલ્‍યે સારવાર

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૮ : જીલ્લામાં ચાલી રહેલા રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ હેઠળ આરોગ્‍ય  વિભાગ દ્વારા દસ માસમાં ૮૯ હજાર બાળકોના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૯ર બાળકોમાં ગંભીર બીમારી હોવાનું જાણવા મળ્‍યું છે.

રાજયના આરોગ્‍ય વિભાગ દ્વારા ર૦ર૦થી રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ હેઠળ જીલ્લામાં  પણ દરેક સ્‍કુલ કોલેજ અને આંગણવાડી તેમજ બાલ મંદિરમાં બાળકોના આરોગ્‍યની  તપાસણી કરવામાં આવે છે. જેમાં જીલ્લામાં છેલ્લા દસ માસમાં ૦ થી ૧૮ વર્ષના ૮૯,૩૭પ જેટલા બાળકોના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી હતી. તો ૧૪ જેટલા બાળકોને કિડનીની બીમારી, પાંચ બાળકોને કેન્‍સરની બીમારી, ૮ બાળકોને કલબ ફૂટની બીમારી, , બાળકોને કલેકટ લીપની બિમારી, બે બાળકોને ડાઉન સિન્‍ડ્રોમ, ૩ બાળકોને ન્‍યુરલ ટયુબ ડિફેકટ (કરોડરજજુમાં ગાંઠ)ની બીમારી સહિત  જિલ્લામાં કુલ ૯ર જેટલા બાળકોને ગંભીર બીમારીઓ સામે આવી હતી.

ગંભીર પ્રકારની બીમારી ધરાવતા આ બાળકોને પ્રથમ જીલ્લા લેવલે સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડોકટર દ્વારા તપાસવામાં આવશે અને ત્‍યારબાદ અમદાવાદ અને ગાંધીનગરની સિવિલ સહિતની જાણીતી હોસ્‍પિટલોમાં આ બાળકોને વિનામૂલ્‍યે સારવાર કરવામાં આવશે. જીલ્લામાં આર.બી.એસ.કે.ની ૧૦ ટીમ કાર્યરત છે. જેમાં એક મેલ અને એક ફીમેલ તબીબ, એક ફાર્માસિસ્‍ટ અને એક એએનએમ અથવા તો એફએચડબલ્‍યુ ફરજ બજાવે છે. આ ટીમ ગંભીર બીમારીઓથી પીડાતા બાળકોના ઘરની મુલાકાત માતા-પિતાનું કાઉન્‍સેલિંગથી લઇને હોસ્‍પિટલમાં ઓપરેશન અને ત્‍યાર પછીના ફોલોઅપી સુધી તમામ સ્‍તરે મદદ કરાય છે.

(1:18 pm IST)