Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી પર સાધુઓને હેરાન નહિ કરવાનું કહેતા તલવાર ઝીંકી દીધી'તી

શિવગીરી સાધુની પોલીસ દ્વારા પૂછપરછ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૮ : ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી ઉપર તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડનાર શિવગીરી નામના નાગા સાધુની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

ભવનાથ ખાતે હાલ શિવરાત્રી મેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્‍યારે મહિલા સંત ઉપર સાધુએ હુમલો કરતા સનસની મચી ગઇ હતી.

ગઇકાલે સાંજે ભવનાથ ખાતે જુના અખાડાના શિવગીરી નામના નાગા સાધુ હાથમાં તલવાર લઇને અન્‍ય સાધુઓને હેરાન કરી ઝઘડો કરતા હતા.

આથી ગિરનાર ક્ષેત્રના પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી આ સાધુને સમજાવવા ગયા હતા પરંતુ આ સાધુએ લાજવાને બદલે ગાજીને તું ગિરનારમાં આવતા નહિ તેમ કહી ઉશ્‍કેરાઇ જઇને જયશ્રીકાનંદગીરીને પેટના ભાગે તલવારનો એક ઘા ઝીંકી દઇ શિવગીરી બાઇક ઉપર નાસી ગયા હતા.

જયશ્રીકાનંદગીરીને ગંભીર ઇજા થતા તેમને તાત્‍કાલિક સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. આ અંગેની જાણ થતાં ગિરનાર ક્ષેત્રના સંતો શ્રી ઇન્‍દ્રભારતીબાપુ, હરિગીરીબાપુ, શૈલજાદેવી, કૈલાસાનંદ સહિતના સંતો તેમજ આગેવાનો વગેરે હોસ્‍પિટલ પર દોડી ગયા હતા.

આ બનાવનાં પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં ભાવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા વગેરેએ નાકાબંધી કરીને બીલખા નજીકથી શિવગીરીને ઝડપી લીધા હતા.

આ નાણા સાધુ સામે કલમ ૩૦૭ મુજબ હત્‍યાની કોશિષ વગેરેનો ગુનો નોંધીને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાએ સવારે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરી ઉપર હુમલો કરવામાં એક માત્ર શિવગીરી નાગા સાધુની જ સંડોવણી છે. ગત રાત્રે આ સાધુને ઝડપી લેવાયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તેમજ વધુ પૂછપરછ માટે તેને રીમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ડીવાયએસપી શ્રી ધાંધલ્‍યાએ વધુમાં જણાવેલ કે, શિવગીરી નાગા સાધુ સામે ત્રણ વર્ષ અગાઉ ભવનાથ પોલીસ મથક કલમ ૩૨૪ મુજબ ગુનો નોંધાયો છે.

દરમિયાન હોસ્‍પિટલમાં સારવાર હેઠળ રહેલા પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

(1:06 pm IST)