Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પોરબંદર જૂની કોર્ટની બહાર બેસતા સ્‍ટેમ્‍પ વેન્‍ડરો અને ટાઇપીસ્‍ટોને જન સેવા કેન્‍દ્રમાં જગ્‍યા આપવા માંગણી

પોરબંદર,તા. ૮ : વર્ષોથી જુની કોર્ટ ખાતે બહાર બેસતા સ્‍ટેપ વેન્‍ડરો બોન્‍ડરાઇટર નોટરી એડવોકેટો ટાઇપિસ્‍ટો બેસે છે ત્‍યાં સરકારી સામાન ચોરી થતો હોવાનું બહાર આવતા થોડા દિવસો પહેલા દીવાલ ચણવાની કામગીરી હાથ ધરાતા તમામ વ્‍યવસાયિકોને તેમનો સામાન રાખવામાં મુશ્‍કેલી વેઠવી પડી રહી છે. તેથી જનસેવા કેન્‍દ્રમાં તેઓને સામાન રાખવા માટેનો રૂમ ફાળવવો જોઇએ તેવી માંગણી થઇ છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ તંત્રને રજુઆતમાં જણાવ્‍યું છે કે જુના કોર્ટ બિલ્‍ડીંય કમ્‍પાઉન્‍ડમાં વર્ષોથી સ્‍ટેપવેન્‍ડરો બોન્‍ડરાઇટર નોટરી એડવોકેટો ટાઇપિસ્‍કો બેસે છે અને જનસેવા કેન્‍દ્ર ખાતે આવતા અરજદારો સહિત નાના-મોટા કામ માટે આવતા લોકોને સોગંધનામા સહિતની કામગીરી માટે મદદરૂપ બને છે થોડા દિવસો પહેલા જુની કોર્ટમાં રેવન્‍યુ તથા કોર્ટના રેકોર્ડ અને ફર્નીચર પડયા હતા. તેમાંથી કેટલોક સામાન ચોરાયો હતો અને આ અંગે પોલીસ તંત્રનું પણ ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તંત્રએ અહિંયા પગથીયા ઉપર જ દીવાલ ચણવાની કામગીરી હાથ ધરી હતી અને તે રસ્‍તો અવરજવર માટે બંધ કરી દીધો છે. અહિંયા ઉપરના ભાગે ઘણા ટાઇપીસ્‍ટો તેમના ટાઇપરાઇટર સહિતનો સામાન રાખતા હતા.

રસ્‍તો બંધ થઇ જતા સીડી નીચે આવેલી અંધારી ઓરડીમાં એ સામાન રાખવો પડી રહ્યો છે. જેના કારણે ટાઇપીસ્‍ટો અને સ્‍ટેપવેન્‍ડરોને પરેશાનીનો સામાનો કરવો પડી રહ્યો છે તેવી ફરિયાદ કોંગ્રેસ સમક્ષ આવી છે. તેથી રામદેવભાઇ મોઢવાડીયાએ એવી રજુઆત કરી છે કે તેમનો ટાઇપરાઇટર સહિતનો સામાન ચોરાઇ જાય તેવી શકયતાઓ રહેલી છે માટે જનસેવા કેન્‍દ્ર પાસેના બે રૂમ સંપૂર્ણ પણે ખાલી હોવાથી તેમાના એકાદ રૂમને આ વ્‍યવસાયિકોનો સામાન રાખવા માટે ફાળવી દેવામાં આવે જરૂરી બન્‍યું છે.

(11:02 am IST)