Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મોરબી માળીયા તાલુકામાં રોડ કામ માટે વર્ક ઓર્ડર આવ્યાને વર્ષ પુર્ણઃ કામ કયારે ?

મોરબીઃ તા.૮, માળિયા તાલુકાના ખીરસરા ગામથી બોડકી ગામને જોડતો રસ્તો મંજુર કરવામાં આવ્યો હોય અને વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યાને એક વર્ષથી વધુ સમય વીત્યા છતાં રોડ બન્યો નથી અને આ અંગેની આરટીઆઈ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે

  મોરબીના સુરજભાઈ નિમાવતે આરટીઆઈ અંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં અરજી કરી હતી જેમાં માળિયા તાલુકાના ખીરસરા ગામથી બોડકી ગામને જોડતા રસ્તાના કામના વર્ક ઓર્ડર અંગે માહિતી માંગવામાં આવી હતી જેના જવાબમાં તંત્રએ જણાવ્યું છે કે આ રસ્તાનો તા. ૦૪-૦૭-૧૮ ના થી વર્ક ઓર્ડર આપેલ છે જે કામ ચાલુ કરવાના આદેશમાં જણાવ્યું છે કે કામનું ટેન્ડર શ્રીજી કન્સ્ટ્રકશન કંપની સુરેન્દ્રનગરનું ટેન્ડર સ્વીકૃતિ હુકમ અનુસાર સ્વીકારવામાં આવેલ છે અને સિકયોરીટી ડીપોઝીટની રકમ રૂ ૧૭,૪૦,૬૦૦ ભરપાઈ કરી આપતા કામ ચાલુ કરવાનો આદેશ આપ્યો છે જેમાં આ કામની મુદત હુકમ તારીખથી ૬ માસ સુધી ગણવાની રહેશે અને ચોમાસાના ચાર મહિના બાદ કરી મુદત ગણવાની રહેશે

  વર્ષ ૨૦૧૮ માં અપાયેલ વર્કઓર્ડરના કામમાં છ માસની મુદત હોવા છતાં આ વર્કઓર્ડરને સવા વર્ષથી વધુ સમય વીત્યો છે છતાં રોડનું કામ ચાલુ થયું નથી રોડ પર માત્ર કપચી પાથરી દીધા બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી અકસ્માતો વધી રહ્યા છે જેથી આ અંગે તાકીદે પગલા ભરીને રોડ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

(12:55 pm IST)