Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જામનગર નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓનો શપથ વિધી સમારોહ યોજાયો

જામનગર, તા.૮: ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ, જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના શપથવિધિ સમારોહનું  દીપ પ્રાગટ્ય કરી ઉદદ્યાટન કરવામાં આવેલ હતું. આ તકે અનેક આધુનિક સવલતો ધરાવતી ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની કામગીરી દર્શાવતી શોર્ટ ફિલ્મ દ્વારા ઝાંખી કરાવવામાં આવી હતી અને પ્રિન્સીપાલશ્રીના હસ્તે રાજયમંત્રીશ્રીનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતુ. 

આ પ્રસંગે માનવ સેવાના ઉમદા કાર્યમાં જોડાતા પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા રાજયમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, દર વર્ષે આશરે ૪૦ થી ૪૮ હજાર લોકો ગુજરાતમાં નર્સિંગ સ્ટાફ તરીકે જોડાય છે. નર્સ અને દર્દીનો સંબંધ પીડામાં શાતા આપતા પ્રભુ જેવો છે. હોસ્પિટલમાં જેટલુ મહત્વ ડોકટરનું છે, તેટલું જ નર્સનું છે.

લોકોના આરોગ્યની સેવામાં સતત રત રહેતા નર્સિંગના વિદ્યાર્થીઓ આ કોલેજથી જ્ઞાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ક્ષેત્રે અને ભારતભરમાં પણ પોતાની માનવસેવાની જયોતના ઉજાસને ફેલાવે તેવી અભ્યર્થના.

આ પ્રસંગે આધુનિક નર્સિંગના પ્રણેતાશ્રી ફ્લોરેન્સ નાઇટિંગલની તસ્વીર પાસેની પ્રજવલિત જયોત માંથી પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં રહેલ મીણબત્તીને જયોતિમાન કરી નર્સિંગ વ્યવસાય દ્વારા જીવનભર માનવસેવામાં કાર્યરત રહેવાના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં આસી. ડિરેકટર ઓફ મેડીકલ સર્વીસીસના શ્રી આર.સી.પટેલ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલશ્રી પી.એન.પ્રજાપતી, મેડીકલ કોલેજના ડીનશ્રી નંદીનીબેન દેસાઇ, જી.જી. હોસ્પિટલના શ્રી સુપ્રિટેન્ડન્ટ શ્રી નંદીની બાહરી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:51 pm IST)