Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કોરોના વાયરસથી આંતરરાષ્ટ્રીય ખરીદદારોએ ચીનથી મોઢુ ફેરવ્યુ : સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો

રાજકોટ - જામનગર - મોરબી સહિતના શહેરોમાં ચીન સિવાયના દેશોમાંથી મળવા લાગ્યા ઓર્ડર : સિરામિક - એન્જીનિયરીંગ - મશીન - બ્રાસ પાર્ટ ઉદ્યોગોને લાભ

રાજકોટ તા. ૮ : ચીનમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણે સૌરાષ્ટ્રની સિરામિક ઈન્ડસ્ટ્રી, એન્જિનિયરિંગ અને મશીન પાર્ટ્સ મેન્યુફેકચરર્સ તથા પિત્ત્।ળના પાર્ટ્સ બનાવતા ઉદ્યોગોને તેનો લાભ મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચીન બાદ ભારત ટાઈલ્સનું બીજું સૌથી મોટું એકસપોર્ટર છે. તેમાંથી મોટાભાગની ટાઈલ્સ મોરબીમાં તૈયાર થાય છે. રાજકોટનું એન્જિનિયરિંગ સેકટર અને જામનગરની બ્રાસ ઈન્ડસ્ટ્રી પણ ચીન બાદ બીજા નંબરે સૌથી સસ્તા પ્રોડકટ દુનિયાના દેશોમાં એકસપોર્ટ કરે છે. ચીનમાં કોરોના વાયરસની અસરથી મેન્યુફેકચરિંગ બિઝનેસ પર અસર પડતા ગુજરાતની આ ઈન્ડસ્ટ્રીઓને તેનો ફાયદો થઈ શકે છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નિમિશ ખાખરીયાનો અહેવાલ જણાવે છે.

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ નિલેશ જેતપરાએ કહ્યું, 'ચીનમાં નવું વર્ષ હોવાના કારણે અન્ય દેશોના એકસપોટર્સે પહેલાથી વધારે માલ સ્ટોકમાં રાખ્યો હતો, પરંતુ જો કોરોના વાઈરસની આવી જ સ્થિતિ ત્યાં બની રહેશે તો અમને વધારે ઓર્ડર્સ મળે તેવી સંભાવના છે. હાલ અમને બીજા દેશોમાંથી ઈન્કવાયરી આવવાનું શરૂ થઈ ગયું છે.' તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગના ૮૦૦ યુનિટ વાર્ષિક ૧૨,૦૦૦ કરોડનો બિઝનેસ કરે છે. ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડરના સૂત્રો મુજબ, સિરામિક ઈન્ડસ્ટ્રી ઉપરાંત ઓટો પાર્ટ્સ, મશીનરી અને ટેકસટાઈલ્સ ઈન્ડસ્ટ્રીને ચીનની સ્થિતિનો વધુ લાભ મળી શકે છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ કહ્યું, આ ચિત્ર આગામી ૮-૧૦ દિવસમાં સ્પષ્ટ થશે. ઈન્ડસ્ટ્રી એકસપર્ટ્સ મુજબ, રાજકોટમાંથી વાર્ષિક ૫૦૦ કરોડ રૂપિયાના ઓટો પાર્ટ્સ એકસપોર્ટ થાય છે.

જામનગર બ્રાસ ફેકટરીના ઓનર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ, લાખા કેશવાલાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે ભારત ચીન પછી બીજું સસ્તું માર્કેટ છે. અમે પ્રોડકટની કવોલિટી પણ જાળવી રાખી છે. એવામાં ચીનની અસરના કારણે સૌરાષ્ટ્રના એકસપોર્ટ્સને વધારે નફો મળી શકે છે.

જોકે ચીનમાં હાલની સ્થિતિની અસર ભારતના સિરામિક ઉદ્યોગને અસર કરી શકે છે. કારણ કે આ માટે મોટાભાગનું કાચો માલ ચીનથી આયાત થાય છે અને તેની અછત સર્જાઈ શકે છે. મોરબી સિરામિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ મુકેશ ઉંઘરેજિયાએ કહ્યું, એકબાજુ અમને વધારે ઓર્ડર મળવાની સંભાવના છે, બીજી તરફ કાચા માલની અછત સર્જાઈ શકે છે. ટાઈલ્સને પોલિશ કરવા માટેની વસ્તુ ચીનથી આવે છે. અમારી પાસે હાલ અમુક મહિના સુધીનો સ્ટોક છે. પરંતુ જો ચીનમાં લાંબો સમય સુધી આવી સ્થિતિ રહેશે તો અમારે કાચા માલની અછત સર્જાશે.

(11:52 am IST)