Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

એકાએક ધ્રુજારોઃ ઠંડીના નવા દોરથી ફરી લોકો ઠુંઠવાયાઃ ગિરનાર ૪.૮ ડિગ્રી

સૌરાષ્ટ્રભરમાં પારો ગગડતા જનજીવન ઉપર ભારે અસરઃ દરિયામાં મોજાના કરંટ અનેતોફાની પવનઃ સોરઠમાં એક જ દિ'માં પાંચ ડિગ્રી ઠંડી વધીઃ ૧૦ ડિગ્રીથી રાજકોટ પણ સાંજ પડતાં જ સૂમસામ બની ગયું: કંડલા, જામનગર ૯,નલીયા ૭.૪ ડિગ્રી, ભાવનગર ૧૩, પોરબંદર ૧૧.૪, વેરાવળ ૧૫, દ્વારકા ૧૬.૬, ભૂજ ૧૧.૪, સુરેન્દ્રનગર ૧૦.પ, અમરેલી ૧૦.૪, મહુવા ૯.૯, દિવ ૧૦.પ ડિગ્રી

રાજકોટ તા.૮: બુધવાર પછીથી ઠંડીનો નવો દોર શરૂ થતાં ઠંડીમાં લોકો ફરી ઠુંઠવાઇ ગયા છે અને એકાએક ઠંડીનો ધ્રુજારો આવતા લોકો ફરી ગરમ વસ્ત્રોમાં ઢબૂરાઇ ગયેલા જોવા મળે છે. સમગ્ર હવામાન ઠંડુગાર બની ગયું છે.

ગઇ સાંજે ૧૦ ડિગ્રીથી રાજકોટ પણ સૂમસામ બની ગયું છે અને ખાસ કરીને નલિયામાં ૭.૪ અને કંડલા-જામનગર ૯ ડિગ્રી પારો રહેતા ત્યાં રાજકોટથી પણ વધુ ઠંડીની અસર જોવા મળી છે.

દ્વારકામાં મંડપ ઉડતા ફેરી સર્વિસ બંધ રખાઇ

યાત્રાધામ દ્વારકામાં અચાનક હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો અને તેજ પવન ફુંકાવાનું ચાલું રહયું હતું. તોફાની પવનનાં કારણે દ્વારકામાં દરિયા કાંઠા પાસે સ્વામી નારાયણ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય, ત્યાં લગ્નમંડપો ઉડયા હતા. ભગવાનની દ્વારકાધીશની બાવન ગજની ધ્વજા પણ ભારે પવનનાં કારણે ફળફળ કરતી લહેરાતી જોવા મળી હતી.

ઓખા અને બેટ દ્વારકામાં પણ આજે તેજ પવન ફૂંકાવા સાથે દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો હતો. પરિણામે બેટ દ્વારકા જવા માટેની ફેરી સર્વિસ યાત્રિકોની સલામતીનાં કારણોસર એકાદ કલાક માટે બંધ રાખવાની ફરજ પડી હતી. જેથી બેટ દ્વારકા પહોંચીને દર્શન કર્યા બાદ પરત આવવા માંગતા અનેક શ્રદ્ધાળુઓ ત્યાં જ અટવાઇ ગયા હતા. જયારે ઓખાનાં કાંઠે પણ શ્રધ્ધાળુઓને બેટ દ્વારકા જવા માટે રાહ જોવી પડી હતી. જો કે, એકાદ કલાક બાદ દરિયાઇ કરંટ ઓછો થતાં જ ફેરી બોટ ચાલું થઇ હતી.

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી દિવસનું તાપમાન ૩ ડિગ્રી ઉંચુ જવા સાથે રાત્રીનું તાપમાન પણ ૧૦-૧૧ ડિગ્રીથી વધીને ૧૪ ડિગ્રી થવા છતાં ફુંકાયેલા કાતિલ પવને જનજીવનને ધ્રુજાવી દીધું હતું. ભારે પવનથી માર્ગો પર વંટોળીયા ઉઠતાં દ્વિચક્રી વાહન ચાલકો પરેશાન થયા હતાં.

પોરબંદર

પોરબંદર શહેરમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. દરિયામાં પણ સામાન્ય પવન જોવા મળ્યો છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટે આગામી ૪૮ કલાકમાં દરિયામાં ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે તેમ છે. તેમજ દરિયામાં ૪ મીટર સુધીના ઉંચા મોજા ઉછળી શકે તેવી આગાહી વ્યકત કરી છે. તથા માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

જૂનાગઢ

જૂનાગઢઃ સોરઠમાં એક જ દિવસમાં પાંચ ડિગ્રી ઠંડી વધતા લોકોની મુશ્કેલી વધી છે. ગિરનાર પર્વત ઉપર ૪.૮ ડિગ્રી ઠંડી નોંધાતા સમગ્ર પર્વત ઠંડોગાર થઇ ગયો હતો.

ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૪.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન પાંચ ડિગ્રી ઘટીને ૯.૮ ડિગ્રીએ સ્થિર થતાં  જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જૂનાગઢનાં ગિરનાર પર્વત પર આજે ૪.૮ ડિગ્રી ઠંડી રહેતા ગિરનાર જંગલમાં પ્રાણીઓ સહિતનાં અબોલ જીવો ફફડી ઉઠયા હતાં. હાડ થીજવતી ઠંડીને લઇ પ્રવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. અને ૬.૭ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ બર્ફીલું થઇ ગયું છે.

જામનગર

જામગનરઃ શહેરનું હવામાન જોતા મહતમઃ ૨૨, લઘુતમ : ૯ ડિગ્રી છે, ભેજ : ૭૧ ટકા અને પવનઃ ૧૦.ર કિ.મી. પ્રતિ કલાક છે.

(11:34 am IST)