Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વાંકાનેરની ઓઇલ મીલમાં ૨૦ વર્ષની કવિતાની ક્રુર હત્યા

સહકર્મી જુનાગઢનો ધીરજ આહિર કૂહાડા સાથે સકંજામાં: માથા-ગળામાં ઘા ઝીંકયાઃ ધીરજ બીજા કર્મચારી કરતાં અલ્પાને વધુ કામ આપતો હોઇ તેણીએ આ બાબતે પોતે શેઠને જાણ કરી દેશે તેમ કહેતાં ધીરજે ઉશ્કેરાઇ જઇ હત્યા કર્યાની પોલીસ સમક્ષ કબુલાતઃ વીસીપીરાની કોળી યુવતિ કવિતા ચોૈહાણ (ઉ.૨૦) એક વર્ષથી સૂર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી'તીઃ સાંજે પિતા કેતનભાઇ તેડવા આવ્યા ત્યારે ફેકટરીના રસોડામાં દિકરીની લાશ મળીઃ હત્યારો ધીરજ લોહીવાળા કપડા સાથે લાશ પાસે જ ઉભો'તો!: એકની એક દિકરીની હત્યાથી તળપદા કોળી પરિવારમાં કલ્પાંતઃ પિતા કેતનભાઇ દિકરીને તેડવા ગયા ત્યારે દિકરીએ ફોન રિસીવ ન કરતાં અંદર તપાસ કરવા જતાં કવિતા ફેકટરીના ઉપરના માળે રસોડામાં પડી ગયાનું કહેવાયું: ધીરજે પોતે કવિતાને ઉઠાવવા જતાં કપડા લોહીવાળા થઇ ગયાની સ્ટોરી ઘડીઃ કવિતા ઓફિસના કામ મુદ્દે બ્લેકમેઇલીંગ કરતી હોવાની વાત પરિવારજનોને ગળે ઉતરતી નથીઃ ધીરજ સાચી વિગતો છુપાવી રહ્યાની પણ પરિવારજનોને શંકાઃ ધીરજ કાલે તેના દિકરાની સારવાર માટે હોસ્પિટલમાં હતો ત્યારે કવિતાએ પોતે શેઠને ફરિયાદ કરી દેશે તેમ કહી ૨૦ જેટલા ફોન કરતાં ધીરજ ઉશ્કેરાયો અને ફેકટરીએ જઇ પતાવી દીધી!: બીજુ કોઇ કારણ તો નથી ને? તે જાણવા તપાસનો ધમધમાટઃ દિકરી કવિતાને ફસાવીને હત્યા કર્યાની પિતાને શંકાઃ બીજા કોઇની પણ સંડોવણીની પણ શંકા દર્શાવીઃ હત્યા બાદ હત્યારો ત્યાં જ કેમ ઉભો રહ્યો? ઉંડી તપાસ જરૂરી

કવિતા ચોૈહાણનો નિષ્પ્રાણ દેહ અને લાડકવાયી ગુમાવનાર પિતા સહિતના સ્વજનો શોકમય હાલતમાં જોઇ શકાય છે

જ્યાં હત્યાની ઘટના બની તે સૂર્યા ઓઇલ નામની ફેકટરી (તસ્વીર અને અહેવાલઃ નિલેષ ચંદરાણા તથા મહમદ રાઠોડ-વાંકાનેર)

રાજકોટ તા. ૮: વાંકાનેરના વિસીપરામાં ગોડાઉન રોડ પત્રકાર ભાટી.એનની બાજુમાં રહેતી અને વાંકાનેરમાં જ મોરબી રોડ પર વઘાસીયા ટોલનાકાથી આગળ આવેલી સૂર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એક છર્ષથી નોકરી કરતી કવિતા કેતનભાઇ ચોૈહાણ (ઉ.૨૦) નામની યુવતિની તેની સાથે જ કામ કરતાં મુળ જુનાગઢના અને હાલ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતાં પરિણીત આહિર યુવાન ધીરજ જીવાભાઇ આહિરે માથા પાછળ તથા ગળા પર કૂહાડાના ઘા ઝીંકી ફેકટરીના રસોડામાં ક્રુર હત્યા નિપજાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કવિતાને તેનો સિનીયર ધીરજ વધુ કામ આપતો હોઇ આ બાબતે પોતે ફેકટરી માલિક (ેશેઠ)ને જાણ કરી દેશે તેમ કહી સતત બ્લેકમેઇલ કરતી હોઇ જેના કારણે ગુસ્સે ભરાઇને ધીરજે હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ધીરજે કબુલ્યું છે. જો કે હત્યાનો ભોગ બનનાર કવિતાના પરિવારજનોને કારણ કંઇક જુદુ જ હોવાની દ્રઢ શંકા છે.  ઘટનાની વાંકાનેરના પ્રતિનિધી મહમદ રાઠોડ તથા નિલેષ ચંદરાણા અને રાજકોટના પ્રતિનિધિને પોલીસ તથા પરિવારજનો પાસેથી સાંપડેલી વિગતો એવી છે કે હત્યાનો ભોગ બનેલી કવિતા એક ભાઇથી મોટી હતી. તેના નાના ભાઇનું નામ નિશાંત છે અને તે કોલેજમાં ભણે છે. કવિતા પણ વાંકાનેરની એચ. એન. દોશી કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સાથો સાથ એક વર્ષથી તે સૂર્યા ઓઇલ મીલમાં કોમ્પ્યુટરમાં બીલીંગ બનાવવાનું કામ કરતી હતી. તેની નોકરીનો સમય સવારના નવથી સાંજના સાડા છ સુધીનો હતો. પિતા કેતનભાઇ પન્નાભાઇ ચોૈહાણ (ઉ.૪૪) રફાળેશ્વર ગામે એકસીસ બેંકમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

કેતનભાઇ પોતાની નોકરીએ જતાં હોઇ દરરોજ દિકરીને પોતાના બાઇકમાં બેસાડી તેની નોકરીના સ્થળે મુકી આવતાં હતાં અને  સાંજે છૂટવાના સમયે પોતે જ તેણીને તેડવા પણ જતાં હતાં. કેતનભાઇએ પોલીસને વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુરૂવારે સાંજે નિત્યક્રમ મુજબ પોતે સાંજના ૬:૨૦ મિનીટે દિકરી કવિતાને તેડવા માટે સૂર્યા ફેકટરીએ પહોંચી ગયા હતાં. ગેઇટ બહાર ઉભા રહી તેણે કવિતાને બહાર આવવા માટે ફોન જોડ્યો હતો. પરંતુ બે-ત્રણ વખત રીંગ પુરી થઇ જવા છતાં ફોન રિસીવ ન થતાં તે રાહ જોઇને ઉભા રહ્યા હતાં.

ત્યાં થોડીવારમાં એક શખ્સ ફેકટરીમાંથી આવ્યો હતો અને તેણે 'કવિતાને લાગી ગયું છે, ચાલો ઉપર જોવા' તેમ કહેતાં કેતનભાઇ તેની સાથે ફેકટરીના ઉપરના ભાગે ઓફિસની બાજુમાં આવેલા કિચન (રસોડા)માં ગયા હતાં. ત્યાં કવિતા લોહીથી લથપથ અને ગળા  પર તથા માથામાં ઇજા થયેલી હાલતમાં જોવા મળતાં તેમજ આખા કિચનમાં લોહીના ડાઘા જોવા મળ્યા હતાં. આવા દ્રશ્યો જોઇ કેતનભાઇ હેબતાઇ ગયા હતાં. બાજુની ઓફિસમાં જોતાં એક શખ્સ ઉભો હોઇ તેના વિશે પુછતાછ કરતાં તે ધીરજ જીવાભાઇ આહિર હોવાનું અને મુળ જુનાગઢનો તથા હાલ વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહી આ ફેકટરીમાં જ કવિતા સાથે કામ કરતો હોવાની વિગતો કેતનભાઇને જાણવા મળી હતી.

આ ઉપરાંત સાથે કામ કરતાં જયેશભાઇ, સોહિલભાઇ ત્યાં ઉભા હોઇ તેને શું બન્યું? તેમ પુછતાં આ બંનેએ એવી વાત કરી હતી કે તેણે ધીરજને પુછતાં ધીરજે પોતાને એવી વાત કરી હતી કે કવિતા તેને બ્લેકમેઇલ કરતી હતીતેથી મારી નાંખી છે. જયેશભાઇ અને સોહિલભાઇ મારફત આ વાત કેતનભાઇને જાણવા મળતાં પોલીસને જાણ કરાઇ હતી. હત્યા સાડા પાંચથી છની વચ્ચે થયાનું પણ ધીરજે કહ્યું હતું.

ઘટનાની જાણ થતાં વાંકાનેરના પી.આઇ. એમ. વી. ઝાલા સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી કેતનભાઇ ચોૈહાણની ફરિયાદ પરથી ગુનો નોંધી ધીરજ આહિરને સકંજામાં લઇ કૂહાડો કબ્જે કર્યો છે. પી.આઇ. શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે કવિતા એક વર્ષથી નોકરી કરે છે, જ્યારે ધીરજ આહિર પાંચેક વર્ષની નોકરી કરે છે. તે સિનીયર હોવાથી કવિતાને સતત વધુ કામ આપતો હતો. આ બાબતે કવિતા તેની ફરિયાદ શેઠને કરી દેવા મામલે અવાર-નવાર તેને ધમકાવતી હતી. ગઇકાલે ધીરજ તેના દિકરાની સારવાર માટે હોસ્પિટલમાં હતો ત્યારે પણ કવિતાએ વીસ-પચ્ચીસ ફોન કરી પોતે શેઠને વાત કરી દેશે તેમ કહેતાં ધીરજ હોસ્પિટલે ખુબ ગુસ્સે ભરાયો હતો અને ફેકટરીએ પહોંચી કવિતાને રસોડામાં લઇ જઇ હત્યા કરી હતી. હાલ વિશેષ પુછતાછ થઇ રહી છે.

જો કે કવિતાના પરિવારજનોને શંકા છે કે વધુ કામ બાબતે કોઇ દિવસ કવિતાએ ઘરમાં ફરિયાદ કરી નથી. બ્લેકમેઇલ કામ બાબતે હોઇ શકે તેવું ગળે ઉતરતું નથી. સીસીટીવી કેમેરા છ મહિનાથી બંધ હોવાનું ધીરજે કહ્યું છે આ બાબત પણ ખોટી જણાય છે. સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાંખ્યા હોવાની દ્રઢ શંકા છે. ધીરજ હત્યા કર્યા પછી લાશ પાસે જ નિરાતે ઉભો રહે તે પણ ગળે ઉતરતું નથી. હત્યામાં બીજુ જ કારણ કે બીજા કોઇની સંડોવણી હોવાની પણ પિતા, ભાઇ સહિત સ્વજનોને શંકા છે. દિકરી કવિતાને ફસાવીને કાવત્રુ ઘડી મારી નાંખ્યાની શંકા પણ આ લોકોએ દર્શાવી ઉંડી તપાસ કરી સત્ય સામે લાવવા માંગણી કરી છે. લાડકવાયી એકની એક દિકરીની હત્યાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

ધીરજે પહેલા કવિતાને માથા પાછળ કૂહાડો ઝીંકયો પછી કિચનના પથ્થરની ધાર પર ગળુ દાબી મરણતોલ વજન દઇ મારી નાંખી  ધીરજ પરિણીત છેઃ ફેકટરીના સીસીટીવી ફૂટેજ ડિલીટ કરાયાનો પણ આક્ષેપ

પોલીસ તપાસમાં એવી હકિકત પણ સામે આવી છે કે ધીરજે પહેલા કવિતાને માથા પાછળ કૂહાડાનો ઘા ઝીંકી દીધો હતો એ પછી કવિતાનુ ગળુ કિચનના પ્લેટફોર્મની ધાર પર દાબી મરણતોલ વજન દઇ ઇજા પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કવિતાના પરિવારજનોએ એવો આક્ષેપ પણ કર્યો છે કે ફેકટરીના સીસીટીવી કેમેરાના ફૂટેજ ધીરજે ડિલીટ કરી દીધા હોવાની શંકા છે. પોલીસે ડિવીઆર કબ્જે કરી બેકઅપ લેવડાવવું જરૂરી છે. ફેકટરીના માલિક અમદાવાદ રહે છે તેઓને વારંવાર ફોન કરવા છતાં સવાર સુધી તેઓ આવ્યા નહિ હોવાનું પણ મૃતક કવિતાના શોકમય સ્વજનોએ જણાવ્યું હતું.

(11:24 am IST)