Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સૌરાષ્ટ્રમાં ર ગમખ્વાર અકસ્માત : ૭ના મોત

લીમડા (હનુભા)ના ખાંભડાથી જાન આવી'તી-વરરાજાને ઉતારીને સાળંગપુર જતા હતા ત્યારે કાર પલ્ટી ગઇ * ધ્રાંગધ્રા પાસે ટેમ્પો પલ્ટી જતા ૩ મજૂર મહિલાના મોત

ભાવનગરઃ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર અને મૃતકનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ તા. ૮: સૌરાષ્ટ્રમાં આજે બે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૭ વ્યકિતના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. બોટાદ જીલ્લાના સાળંગપુર પાસે જાનમાં વરરાજાને મુકીને પરત ફરી રહેલી કાર પલ્ટી ખાઇ જતા ૪ વ્યકિતના જયારે ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં ૩ મજુર મહિલાના મોત નીપજયા હતા જયારે ૧૦ મહિલાઓને ઇજા પહોંચી હતી.

ભાવનગરનો અહેવાલ

ભાવનગરઃ બોટાદ જીલ્લાના સાળંગપુરથી ૧ કિ.મી. દુર બરવાળા પાસે વરરાજાને લીમડા (હનુભા) નાં ખાંભડા ગામે મુકીને પરત ફરતી વખત કાર પુલ નીચે ખાબકી હતી. જેમાં ડ્રાઇવર સહિત ૪ ના મોત નીપજયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જીલ્લાના લીમડા (હનુભા) ના ખાંભડાના વરરાજાને મુકીને અલ્ટો કારમાં ૭ વ્યકિતઓ સાળંગપુર જઇ રહ્યા હતા ત્યારે કાર પુલ નીચે ખાબકી હતી.

જેમાં લીંબડા ામના મયુર અશોકભાઇ સોલંકી, લાઠીના વિપુલ ધીરૂભાઇ મકવાણા, લીંબડીનાં ઘનશ્યામ નાનજીભાઇ તલસાણીયા અને શિહોર તાલુકાના પીપરડીનાં સચિન મુકેશભાઇ બારૈયાના ઘટના સ્થળે મોત નીપજયા હતા.

આ અકસ્માતમાં લીંબડાનાં પ્રકાશ ગોપાલભાઇ સોલંકી, ભાવેશ કિરીટભાઇ સોલંકી અને જામ બરવાળાના અશ્વિન જયસુખભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં બરવાળા સારવારમાં ખસેડેલ છે. બરવાળા પી.આઇ. જે. વી. રાણા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણનો અહેવાલ

વઢવાણઃ ધ્રાંગધ્રાના નરાળી ગામ પાસે રપ જેટલા મજુરો ભરીને જતા ટેમ્પોના ચાલકે પોતાના ટેમ્પોના સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો પલ્ટી મારતા ટેમ્પો નીચે દબાઇ જવાના કારણે ઘટના સ્થળ ઉપર ત્રણ મજુર મહિલાઓના મોત નિપજયા છે.

 પ્રાપ્ત માહિતી અનુસારમાં ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે ખેતરમાં મજુરો લઇને મજુરોને ખેતરે મુકવા માટે જતો ટેમ્પો નં. જીજે-૧-યુયુ-પ૯૦પના ચાલકે પોતાના ટેમ્પો પલ્ટી ખાઇ જવાની ઘટના બનતા આ ટેમ્પો નીચે દબાઇ જતા ઘાયલ અવસ્થામાં ઘટના સ્થળ ઉપર મમતાબેન નારૂભાઇ, હિમાબેન રમેશભાઇ, ઉમાબેન સંજયભાઇ સહિતના ત્રણ મહિલાઓના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજયા છે.

જયારે ૧૦ જેટલી મહિલાઓ ઘાયલ થયેલ છે જેને ૧૦૮ના માધ્યમ થકી સારવાર માટે ધ્રાંગધ્રા સાર્વજનિક દવાખાને ખસેડવામાં આવેલ છે.

જયારે મૃતક ત્રણેય મહિલાઓના ડેડબોડી પી.એમ. માટે ધ્રાંગધ્રા સાવર્જનિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા પી.એસ.આઇ. વાઘ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરેલ છે. (૧.૩૧)

(4:47 pm IST)