Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કુદરતની ક્રુર કસોટી : લોધીકાના કોઠા પીપળીયાના ગરીબ પરિવારના ૩ સભ્યોને અસાધ્ય બિમારી : ઘરમાં કમાનાર માત્ર એક જ યુવક

ગરીબ કે નસીબ ગરીબ હી હોતે હૈ, જીસમે સુખ, ચેન ઔર અમન નહી હોતે હૈ

ઉપરની ઉકિત મુજબ લોધીકા તાલુકાનાં નાના એવા કોઠાપીપળીયા ગામે એક ગરીબ પરિવારને ત્યાં કુદરત જાણે રૂઠી હોય તેમ પરિવારની ત્રણ ત્રણ વ્યકિતને અસાધ્ય બિમારી લાગુ પડી છે. ઘરનાં એકમાત્ર કમાનાર મોભી, પરિવાર પર આવી પડેલ આફત સામે સતત ઝઝુમી રહેલ છે.

કુદરતની ક્રુર કસોટી સામે એકલે હાથે બાથ ભીડી રહેલા કોઠાપીપળીયા ના સૈયદ આમદમીયા હનીફમીયાનાં ઘરમાં તેમની દાદી મરીયમમાં, પિતા હનીફમીયા તથા પત્નિ પારસાબેન તથા બે માસુમ ફુલ જેવા નાના બાળકો અલ્ફાઝ તથા ઐયાન આજ થી એક વર્ષ પહેલા મહેનત મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ જાણે કુદરતે આ પરિવારની કસોટી કરવાનું સુજયુ હોય તેમ એક વર્ષ પહેલા દાદી મરીયમમાં પડી જતા પગનો ગોળો ભાંગી ગયેલ અને અધુરામાં પુરૂ તેમને મણકાની તકલીફ પણ થઇ. વધુ ઉમરના કારણે ઓપરેશન ન થવાના કારણે હાલ પથારીવસ છે, તેમની સારવાર ચાલુ છે દરમ્યાન આમદમીયા ના પિતા હનીફમીયાના પગની નસ અચાનક બ્લોક થઇ જતા તેઓને ગેંગરીન જેવો ભયંકર રોગ લાગુ થઇ જતા તેઓના પગનો અંગુઠો અને ત્યારબાદ ઘૂંટણ સુધીનો પગ કાપવો પડયો હાલ ડોકટરોના કહેવા પ્રમાણે તેમની બ્લોક થયેલ નસનું ઓપરેશન અનિવાર્ય છે અન્યથા તેઓને હજી ગેંગરીન આગળ વધશે આ સર્જરીનો ખર્ચ આશરે દોઢ લાખ થાય તેમ છે.

ઘરમાં બે-બે માંદગીનાં ખાટલા, બીમારની સેવા-ચાકરી અને સાથો સાથ ઘરના ગુજરાન માટે મજુરી કામ ચાલુ રાખવુ આમ છતા ઘરનાં યુવાન મોભી આમદમીયા સતત કુદરતની કસોટી સામે બાથ ભીડતા રહ્યા, પરંતુ હજુ ઓછુ હોય તેમ તેમના પરિવાર પર એક ઔર મુસીબત આવી પડી, આમદમીયાની પત્નિ પારસાબેન  જેમની ઉમર ૨૪ વર્ષ છે. તેઓને ગળા તથા નાકનું કેન્સરનો રોગ લાગુ પડતા તેમની સારવાર ચાલુ થઇ જેમના રાહત દરના છ ડોઝ પુર્ણ થઇ ગયા છે પરંતુ હવે આગળની સારવાર ખુબ જ ખર્ચાળ હોય તેઓ મુસીબતમાં મુકાય ગયેલ છે.

માત્ર એક વર્ષના ગાળા દરમ્યાન આમદમીયાના પરિવાર ઉપર સતત એક પછી એક બિમારીએ પોતાનો ક્રુર પંજો ફેલાવેલ છે. આ પરિવાર ગરીબ હોવા છતા ખુદાર જીવન જીવતા હોવાથી કયારેય કોઇની પાસે હાથ ફેલાવેલ નથી, સારવાર માટે ઘરમાંં રોકડ-દાગીના અરે ! ઠામ-વાસણ સુધ્ધા વેચી નાખેલ છે. છેલ્લે ઉછી-ઉધારા અને વ્યાજે પણ પૈસા લીધા છે. આવી પરિસ્થિતિમાં આ પરિવાર હાલમાં અત્યંત દયનિય સ્થિતિમાં મૂકાઇ ગયેલ છે. આ પરિવાર અત્યારે બે સહારા બની ગયેલ છે. હવે આગળની સારવારના પૈસા પણ ન હોવાથી શું કરવુ ?

આ પરિવારનાં પાડોશી શૈલેષભાઇ હંસોરા, અલતાફભાઇ નકાણી તથા ચાંદલીનાં સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા પોતાનાથી બનતી મદદ કરે છે. પરંતુ અસાધ્ય બિમારીને પરિણામે આ લાચાર પરિવાર ઇચ્છે છે કે કોઇ સામાજીક સંસ્થા આ પરિવાર વહારે આવે તેમના પર આવી પડેલ મુસીબતમાં હાથ ઝાલે તેવી અપીલ ઘરના મોભી અને એક માત્ર કમાનાર આમદમીયા કાદરી(મો.૯૯૦૯૧ ૯૬૪૪૨) એ કરેલ છે. 

(11:41 am IST)