Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનામાં મૃત્‍યુ પામનારના સાચા આંકડા સામે સરકાર જુઠાણું ફેલાવે છેઃ ઠુંમર

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૮: રાજયમાં કોરોનાથી મૃત્‍યુ પામનાર પરીવારને રાજય સરકાર દ્વારા ૫૦ હજાર ની આર્થિક સહાય કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા નારાજગી વ્‍યક્‍ત કરી પૂરતા પ્રમાણમાં પરિવારને વળતર ચુકવવાની માંગ કરવામાં આવી રહી છે.
ત્‍યારે બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ તાલુકાના કોંગ્રેસના અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, મનસુખભાઈ પલસાણા, ચંદુભાઈ સાકરીયા,ધીરુભાઈ વહાણી,ખીમજીભાઈ મારૂ, બાવાલાલ હિરપરા,,ઉકેશભાઈ સિયાણી, સહિતના સ્‍થાનિક અગ્રણીઓ દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરેᅠ જણાવ્‍યું હતું કે રાજયમાં કોરોના કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્‍યા છે દ્યણા પરિવારોએ મોભી પણ ગુમાવતા પરિવારનો નિર્વાહ ચલાવો મુશ્‍કેલ બન્‍યો છે ત્‍યારે રાજય સરકાર માત્ર ૫૦ હજાર ની સહાય ચૂકવી મજાક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્‍યારે દરેક પરિવાર ને ચાર લાખ ની આર્થિક મદદ કરવામાં આવે અને સરકારી કર્મચારી ના પરિવારને આર્થિક વળતર સાથે નોકરી પણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે આક્રોશ સાથે જણાવ્‍યુ હતુ કે કેન્‍દ્ર અને રાજય સરકાર જુઠાણું ફેલાવવા વધુ પડતી આગળ છે રાજયની સરકારને વધુ આર્થિક મદદ નો કરવી પડે માટે રાજયમાં કોરોનામાં મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિઓના સાચો આંકડો પણ જાહેર નથી કર્યો.
ત્‍યારે રાજય સરકાર એક લાખ અને કેન્‍દ્ર સરકાર ૩ લાખ ની મદદ વડે પરિવારને કુલ ચાર લાખની મદદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવી હોવાનું ધારાસભ્‍ય ઠુંમર દ્વારા અંતમાં જણાવ્‍યું હતું.


 

(1:56 pm IST)