Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

હળવદ : 'અમારી સામે કેસ પોલીસમાં અરજી કરો છો' તેમ કહી માતા-પુત્રને ધમકી

પાડોશી પરિવારના બે સભ્યો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૮: તાલુકાના ઇશનપુર ગામે બે પાડોશી પરિવાર વચ્ચે અંગત અદાવત મામલે ચાલી આવતી તકરારમાં માતા અને પુત્રને તેના પાડોશી પરિવારના બે સભ્યો મારવા દોડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે મહિલાએ તેના પાડોશી પરીવારના બે સભ્યો સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કંચનબેન કરશનભાઇ છગનભાઇ વરાણીયા (ઉ.વ.૪૫ ધંધો-ઘરકામ તથા મજુરી રહે.જુના ઇશનપુર તા.હળવદ) એ આરોપીઓ જયંતીભાઇ કેશાભાઇ વરાણીયા, દીપકભાઇ કેશાભાઇ વરાણીયા (રહે.બંન્ને જુના ઇશનપરુ તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સવારના આશરે પોણા આઠેક વાગ્યે ફરીયાદી તથા આરોપીના પરીવાર વચ્ચે મનદુઃખ ચાલતુ હોય તેથી આરોપીએ પોતાના મકાનના ધાબા ઉપરથી ફરીયાદીના પરીવારને ગાળો આપી હતી તેમન ફરીયાદી મજુરી કામે ગયા હતા. ત્યારે આરોપીઓએ રસ્તામાં ફરીયાદીને જણાંવેલ કે તમો અમારી સામે કેમ પોલીસમાં અરજી કરો છો તેમ કહી ગાળો આપી ધોકો લઇ મારવા દોડેલ અને ફરીયાદી તથા તેના દીકરાને મારી નાખવાની ધમકી આપેલ તેમજ સાહેદ ફરીયાદીના દીકરા મુન્નાને આરોપીએ લોખંડનો પાઇપ લઇને મારવા આવી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:36 am IST)