Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શુક્રવારે જામનગર એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની નવ-નિર્મિત ઈમારતનું લોકાર્પણ

જામનગર તા.૮: જામનગરના પનોતા સપુત, દીર્ઘ-દ્રષ્ટા, દાનવીર શ્રી મેઘજી પેથરાજ શાહે જામનગર મુકામે વૃદ્ધાશ્રમ શરૂ કરવા પહેલ કરેલ. ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જગ્યામાં, શ્રી એમ. પી. શાહ પરિવાર અને જામનગર મ્યુનીસીપાલીટીના આર્થીક સહયોગથી સન ૧૯૬૮માં એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ અસ્તિત્વમાં આવેલ જે છેલ્લા ૫૧ વર્ષથી જામનગર ખાતે, ખોડીયાર કોલોની વિસ્તારમાં કાર્યરત છે. વાવાઝોડું, ધરતીકંપ અને સમયની થપાટથી વૃદ્ધાશ્રમની ઈમારત જર્જીરેત થઇ ગયેલ તેથી, નિવાસી વૃદ્ધોને જરૂરી સુવિધા મળી રહે તથા વધુ વડીલોનો સમાવેશ થઇ શકે તેવી નવી ઈમારતનું બાંધકામ કરવાની કાર્યવાહી નવી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ.

આયોજન અનુસાર ૫૨૦૦૦ ચો. ફૂટની, ગ્રાઉન્ડ-ફર્સ્ટ અને સેકંડ ફ્લોરની ઈમારતમાં પર રૂમ બનાવવામાં આવેલ છે જેમાં સિંગલ બેડના-૧૨ રૂમ, ડબલ બેડના ૩૧ રૂમ તથા ટ્રીપલ બેડના ૯-્રરૂમ કે જેમાં ૧૦૧ વૃદ્ધોનો સમાવેશ થશે અને જરૂર પડ્યે ૧૩૦ વૃદ્ધોનો સમાવેશ કરી શકાય તેવું આયોજન કરવામાં આવેલ છે. આધુનિક સાધન સગવડ સાથેના રસોડાનું અને ભોજન શાળાનું આયોજન કરવામાં આવેલ છે. નિવાસી વૃદ્ધો ચાર દીવાલ વચ્ચે બંધિયારપણું ન અનુભવે તે હેતુથી, વૃદ્ધાશ્રમની ફરતે વોકિંગ ટ્રેક તથા સુંદર બગીચો બનાવી મુકત વાતાવરણ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવેલ છે.

વૃદ્ધ લોકોના માનસિક સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રવૃતિઓ થઇ શકે અને નિવાસી વૃદ્ધોને આ વૃદ્ધાશ્રમ નહિ પરંતુ પોતાનું ઘર જ હોય તેવું વાતાવરણ લાગે તે હેતુથી આધ્યાત્મિક પ્રવૃત્તિ અર્થે પ્રાર્થના ખંડ, શારીરિક તંદુરસ્તી માટે જીમ અને ફીઝીયોથેરાપી સેન્ટર, સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ માટે સ્ટેજ સાથેનું ઓપન-એર થીયેટર અને મલ્ટીપર્પઝ હોલ, વાંચન માટે લાયબ્રેરી અને આજના જમાના સાથે તાલ મેળવી શકે તે માટે વાઇ-ફાઇ સાથેના કોમ્યુટર રૂમનું પણ આયોજન કરવામાં આવેલ છે.

વૃદ્ધાવસ્થામાં નાની-મોટી શારીરિક તકલીફો થવી બહુ સહજ છે અને વારંવાર સારવાર માટે દોડાદોડી ન કરવી પડે તે હેતુથી વૃદ્ધાશ્રમની અંદર જ કવોલીફાઈડ સ્ટાફ સાથેના, ઇન્ડોરપ્રબેડની સગવડ વાળા મેડીકલ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ઉપરાંત ગંભીર બીમારીના કિસ્સામાં જરૂર પડ્યે અન્ય હોસ્પીટલમાં સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે.

વૃદ્ધાશ્રમનાં આયોજનમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ફ્લોરનાં લેવલ તથા તમામ દરવાજાની પહોળાઈ એ રીતે રાખેલ છે કે નિવાસી વૃદ્ધ શારીરિક રીતે અશકત હોય તો પણ પોતાની તમામ દૈનેક ક્રિયાઓ કોઈના પણ અવલંબન વગર કરી શકે અને જાતે વ્હીલ ચેર ચલાવીને દરેક જગ્યા એ પહોચી શકે. આજના સમયમાં કોઈ પણ બિલ્ડોંગમાં લીફ્ટ હોવી એ સહજ વાત છે તે અનુસાર આ વૃદ્ધાશ્રમમાં પણ સાદી લીફ્ટ અને સ્ટ્રેચર લીફ્ટ તો છે જ, પરંતુ અનોખી વાત એ છે કે અશકત વૃદ્ધ વ્હીલ-ચેરથી દરેક માળે હરી ફરી શકે તે માટે વિશાળરેમ્પનું પણ આયોજન કરેલ છે !! કોઈ પણ વૃદ્ધ એકલતા ન અનુભવે અને સહચર્યની હૂફ માણી શકે તે હેતુથી દરેક માળે ટીવી સાથેની લોન્જ રાખેલ છે જ્યાં નિવાસી વૃદ્ધો સાથે બેસી આનંદ પૂર્વક પોતાનો સમય પસાર કરી શકે.

વડીલોના વીસમાની નવ-નિર્મિત ઈમારતમાં વીજળીનો બચાવ થાય તે માટે સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ થાય તેવું આયોજન કરેલ છે. તદુપરાંત પર્યાવરણની જાણવણી અર્થે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તેવી વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ નો ઉપયોગ કરેલ છે. વૃદ્ધોની સલામતી માટે ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવામાં આવેલ છે તથા ફાયર સેફટીની માર્ગદર્શિકા પ્રમાણે પુરતું આયોજન કરવામાં આવેલ છે.

વૃદ્ધોની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વી. સાથે મેળાવડા તથા સંસ્કૃતિક કાર્યક્રમોનું સારી રીતે આયોજન કરી શકાય તે માટે સ્ટેજ અને કોમ્યુનીટી હોલ પણ બનાવવામાં આવેલ છે.

આ વૃદ્ધાશ્રમની વિશિષ્ઠતા એ છે કે અહી નિવાસી વૃદ્ધો પાસે કોઈ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો નથી. એટલુજ નહિ પરંતુ ખિસ્સા ખર્ચી માટે રૂ. ૩૦૦/-પ્રતિ માસ આપવામાં આવે છે.

શ્રી એમ.પી. શાહ પરિવારે રુ. ૧.૬૧ કરોડ અનુદાન આપવાની પહેલ કરેલ જેનાથી પ્રેરાઈને દેશ-વિદેશના અનેક દાતાશ્રીઓ એ બહુમુલ્ય આર્થિક સહયોગ આપ્યો જેથી આ ભગીરથ કાર્ય સંપૂર્ણ થઇ શક્યું. વડીલોના વીસામા સ્વરૂપ શ્રી એમ. પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમની લોકાર્પણ વિધિ તા ૧૦-૧-૨૦૨૦, શુક્રવાર ના રોજ સવારે ૯.૩૦ વાગ્યે યોજવામાં આવેલ છે. આ લોકાર્પણ પ્રસંગે શ્રી એમ. પી. શાહના જયેષ્ઠ પુત્ર શ્રી વિપિનભાઈ તથા તેમનો સમગ્ર પરિવાર ઉદ્ધાટક તરીકે ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મા. મંત્રી  આર. સી. ફળદુ તેમજ મા.મંત્રી  ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ  પુનમબેન માડમ, જામનગર શહેરના મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણી,  જીલ્લા સમાહર્તા  રવિશંકર, જામનગર મ્યુ. કમિ'ર શ્રી સતીશ પટેલ તથા જીલ્લા પોલીસ વડા  શરદ સિંઘલ ઉપસ્થિત રહેશે.

(1:11 pm IST)