Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભુજ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરનાર આરોપીને ૭ વર્ષની જેલ

ભુજઃ તા.૮, કાયદાના રક્ષક ઉપર થયેલ હુમલાના કેસમાં ભુજ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. ગત તા/૨૯/૪/૧૮ ના લૂંટ કેસ સહિત અન્ય લૂંટ અને ચિલઝડપના આરોપી રિયાઝ ભચુ મમણે તેને પકડવા આવેલા પશ્યિમ કચ્છ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ બનાવની વધુ વિગતો અનુસાર ભુજમાં છરીની અણીએ બે મોબાઈલ સહિત બે હજાર રૂપિયાની લૂંટ ચલાવનાર રિયાઝ મમણ ખાટકી ફળિયામાં હોવાની બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ અને અન્ય પોલીસ કર્મીઓ તેને પકડવા ગયા હતા. દરમ્યાન પોલીસે પડકારતાં રિયાઝ નાસી છૂટ્યો હતો પણ તેને પકડવા પોલીસ કર્મીઓ ધર્મેન્દ્ર રાવલ, નરેન્દ્ર યાદવે દોટ લગાવી હતી. દરમ્યાન રિયાઝ ઝડપાઇ જતાં તેણે છૂટવા માટે હે.કો.ધર્મેન્દ્ર રાવલને છરી હુલાવી હતી.

 આ જોઈને એએસઆઈ નરેન્દ્ર યાદવે લાકડીનો ઘા કરતાં છરી પડી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ આઇપીસી ૩૦૭, ૩૩૩ હેઠળ ગુનો નોંધાયો હતો. ભુજ સેશન્સ કોર્ટમાં ત્રીજા અધિક સેશન્સ જજ મમતાબેન પટેલે ૨૧ સાક્ષીઓ, ૨૫ દસ્તાવેજી આધારો તપાસી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કાયદાના રક્ષકો ઉપરના હુમલાના ગુનાને સમાજ ઉપરનો અતિ ગંભીર હુમલો ગણીને આરોપી રિયાઝ ભચુ મમણને ૭ વર્ષની સખત કેદ તથા ૫ હજારના દંડની આકરી સજા ફટકારતો ૮૮ પાના નો ચુકાદો આપ્યો હતો. રાજય સરકાર વતી ડીજીપી કલ્પેશ ગોસ્વામીએ પૂરતા આધાર પુરાવાઓ સાથે દલીલ કરી હતી કે, ગુનેગારને પકડવા પોલીસે દાખવેલી હિંમત અને જુસ્સો ભાંગી ન પડે એટલે આરોપીને સખત સજા થવી જોઈએ.

(11:51 am IST)