Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

દેશવ્યાપી-હડતાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના અસંખ્ય કર્મચારીઓ જોડાયા

કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નિતી અને ૪૪ કાયદાઓને ૪ કાયદામાં રૂપાંતર કરવા સામે રોષ

રાજકોટ તા. ૮ :.. બેંક કર્મચારીઓના પાંચ સંગઠન તથા અન્ય સંગઠનોએ કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિ અને ૪૪ કાયદાઓને ૪ કાયદામાં રૂપાંતર કરી કર્મચારીઓના અધિકારીઓ ઉપર તરાપ મારવાના આક્ષેપ સાથે આજે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. રાજકોટ સૌરાષ્ટ્રમાં આ હડતાલના એલાનમાં એસબીઆઇ સિવાય તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, એલઆઇસી, જીઆઇસીના કર્મચારીઓ આવકવેરા અને પોસ્ટલ કર્મચારીઓ સહિત અંદાજે દસેક હજાર કર્મચારીઓ જોડાયા છે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કિરીટ અંતાણીના જણાવ્યા મુજબ બેંક કર્મીઓના પાંચ સંગઠનોએ બેંકોને આજે સરકારની મજૂર વિરોધી શ્રમ કાનુનમાં ૪૪ કાયદાને રૂપાંતર કરી માત્ર ૪ કાયદા બનાવવાની  સાજીસ કરી છે. કોન્ટ્રેકટ લેબર અને બાંધ્યા પગારની નીતિ અમલમાં મુકવાની નીતિ સામે બુધવારે હડતાલ છે. તા. ૬ઠ્ઠીએ આ અંગે સરકાર અને બેકિંગ સંગઠન વચ્ચે મંત્રણા થઇ હતી પરંતુ સરકારે કોઇ પ્રતિસાદ ન આપતાં આ મંત્રણા નિષ્ફળ ગઇ હતી.

ભાવનગર

ભાવનગર  :. ભાવનગરનાં આશાવર્કર્સ બહેનોએ પડતર પ્રશ્નોને લઇ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા હતાં.

ગુજરાતમાં રાજય સરકાર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર સ્વાસ્થ્ય અભ્યાન ચલાવવામાં આવે છે તેમાં બહેનો આશાવર્કર્સ તરીકે  ફરજ બજાવે છે. આ બહેનોનાં પડતર પ્રશ્નો અંગે આજે બુધવારે જીલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવેલ અને રાષ્ટ્ર વ્યાપી હડતાલમાં જોડાયા હતાં.

કોંગ્રેસ દ્વારા ધરણા

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ યુવક કોંગ્રેસ અને એન. એસ. યુ. આઇ. સંયુકત ઉપક્રમે દિલ્હીમાં જે. એન. યુ. અને એન. એસ. યુ. આઇ. નાં વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો  તેનાં વિરોધમાં આજે બુધવારે કલેકટર કચેરી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં કોંગ્રેસનાં આગેવાનો - કાર્યકરો જોડાયા હતાં.

(11:51 am IST)