Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચેય પાકિસ્તાનીઓ ૬ દિવસના રિમાન્ડ પરઃએટીએસ દ્વારા પૂછપરછમાં કડાકા ભડાકા

દરિયામાં ડ્રગ્સની ડિલિવરી માટે કોડવર્ડ, ડ્રગ્સ માફિયાઓની જાળ ભેદવા સુરક્ષા એજન્સીઓ પણ થઈ દોડતી, જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કરી ધારદાર દલીલો

ભુજઃ તા.૮, છેલ્લા બે દિવસથી દેશભરમાં ગુજરાતના કચ્છના દરિયામાંથી ઝડપાયેલા ૧૭૫ કરોડના ડ્રગ્સની ચર્ચા છે. દેશના યુવાધનને નશામાં બરબાદ કરવા માટે પાકિસ્તાન દ્વારા બીછાવાયેલી પ્રોક્ષી યુદ્ઘની આ જાળ ખૂબ જ ગંભીર છે. છેલ્લા ૪ વર્ષમાં ગુજરાતને જે રીતે ડ્રગ્સનું લેન્ડીગ પોઇન્ટ બનાવાઈ રહ્યું છે, તે દેશની સુરક્ષાની દ્રષ્ટીએ પણ સલામતી માટે જોખમી છે. ડ્રગ્સ માફિયાઓની આ જાળ ભેદવા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. તે દરમ્યાન એટીએસ દ્વારા ઝમઝમ નામની પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા પાંચેય ડ્રગ્સ કેરિયરોને ગઈકાલે મોડી સાંજે ભુજ કોર્ટમાં રજૂ કરાયા હતા. જયાં ૯ માં અધિક ડિસ્ટ્રીકટ જજ અને કેફી દ્રવ્યો માટેની ખાસ અદાલતના જજ સી.એમ. પવાર સમક્ષ તેમની સુનાવણી થઈ હતી. જેમાં કોસ્ટગાર્ડ અને એટીએસ વતી ખાસ નિયુકત જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ વિસ્તૃત દલીલો સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ષડયંત્ર, આથી અગાઉ ઝડપાયેલા ડ્રગ્સ, દેશની સુરક્ષા સહિતના મુદ્દાઓ સાથે આ ગુનાના ગંભીર પાસાઓ દર્શાવી મૂળ ગુનેગારો સુધી પહોંચવા માટે પૂછપરછ કરવા રિમાન્ડ જરૂરી હોવા ઉપર ભાર મુકયો હતો. જે ગ્રાહ્ય રાખીને આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ ડ્રગ્સ કેરિયરો સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં જ ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા. તેના માટે કોડવર્ડ પણ અપાયો હતો. હવે, એટીએસ રિમાન્ડ દરમ્યાન તેમની પૂછપરછ કરી ડ્રગ્સ માફિયાઓની જાળ ભેદવા પ્રયત્નો કરશે.

(11:49 am IST)