Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કચ્છના જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલના જામીન નામંજૂર

એક વર્ષ અગાઉ ભચાઉમાં ચાલુ ટ્રેને ગોળી ધરબી દઇને ભાજપના ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની મહારાષ્ટ્રના શાર્પ શૂટરો મારફત હત્યા થયેલ હતીઃ તપાસ દરમ્યાન કાવત્રામાં કોંગી ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી ખુલતાં ધરપકડ કરવામાં આવી હતીઃ ભાનુશાળીની પુણ્યતિથિના દિવસે જ આરોપીના જામીન રદ થયા

રાજકોટ તા. ૮ :.. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની તા. ૭-૧-ર૦૧૯ ના ભુજથી અમદાવાદ જતી ટ્રેનમાં શાર્પ શૂટરો દ્વારા ગોળી ધરબી દઇ હત્યા કરવાના ગુન્હામાં મુખ્ય કાવત્રાખોર એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ નારણભાઇ પટેલે જામીન પર મુકત થવા કરેલ અરજી અંજાર સેશન્સ કોર્ટે ફગાવી દીધેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, મરણ જનાર અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી તા. ૭-૧-ર૦૧૯ ના રોજ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેન નં. ૧૯૧૧૬ માં ભુજથી અમદવાદા ફર્સ્ટ એ. સી. કોચમાં કોચ નં. એચ/૧ ની 'જી' કેબીનમાં શીટ નં. ૧૯ ઉપર મુસાફરી કરતા હતા તે દરમ્યાન ટ્રેન સામખીયાળી સ્ટેશન નજીક પહોંચેલ ત્યારે ચાલુ ગાડીએ મહારાષ્ટ્રના શાર્પશૂટરો શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે અને અશરીફ અનવર શેખે પૂર્વાયોજીત કાવત્રા મુજબ જયંતી ભાનુશાળી ઉપર બંધૂકથી ફાયરીંગ કરી હત્યા નિપજાવેલ હતી.

આ બનાવ અનુસંધાને ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં છબીલદાસ નારણભાઇ પટેલ, મનીષાબેન ગોસ્વામી, જયંતીભાઇ જેઠાલાલ ઠકકર, સિધ્ધાર્થ છબીલદાસ પટેલ, સુરજીત ભાઉ વિગેરે વિરૂધ્ધ ઇ. પી. કો.  કલમ ૩૦ર, ૧ર૦ (બી), ૩૪ તથા આર્મ્સ એકટથી કલમ-રપ, ર૭ વિગેરે મુજબની એફ. આઇ. આર. નોંધાયેલ હતી.

ત્યારબાદ કેસની ગંભીરતા જોય સરકાર દ્વારા ખાસ તપાસ દળ (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ -એસઆઇટી) ની રચના કરવામાં આવેલ અને એસઆઇટી દ્વારા તપાસ  શરૂ કરાતા ગુન્હામાં કલમ ૩૯૭, ર૦૧ તેમજ રેલ્વે એકટની કલમોનો ઉમેરો કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન સમગ્ર કાવત્રરું ખુલ્લુ પાડી એસઆઇટી દ્વારા (૧) રાહુલ જયંતીભાઇ પટેલ રહે. કચ્છ (ર) નિતીન વસંતભાઇ પટેલ રહે. કચ્છ (૩) શશીકાંત ઉર્ફે બીટીયાદાદા કાંબલે રહે. પુના-મહારાષ્ટ્ર (૪) અશરફ અનવર યુનિશ શેખ રહે. પુના-મહારાષ્ટ્ર (પ) વિશાલ નાગનાથ યેલપ્પા રહે. પુના-મહારાષ્ટ્ર (૬) સિધ્ધાર્થ છબીલદાસ પટેલ રહે. અમદાવાદ (૭) છબીલદાસ નારણભાઇ પટેલ રહે. અમદાવદ (૮) જયંતીલાલ જેઠાલાલ ઠકકર રહે. ભુજ (૯) રાજુ ઉર્ફે સીતારામ નારાયણ ધોત્રે રહે. પુના-મહારાષ્ટ્ર (૧૦) મનીષાબેન ગજ્જુગીરી ગોસ્વામી રહે. વાપી (૧૧) સુરજીત દેવસીંગ પરદેશી રહે. પુના - મહારાષ્ટ્ર (૧ર) નિખીલ બાલુભાઇ થોરાટ રહે. પુના - મહારાષ્ટ્ર એમ કુલ ૧ર લોકોને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ.

તમામ આરોપીઓ પૈકી મુખ્ય કાવત્રાખોર એવા છબીલ નારણભાઇ પટેલ બનાવ બાદ અમેરિકા ખાતે નાસી ગયેલ હોય તે ભારતમાં આવતા જ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધેલ અને ત્યારથી આરોપી જેલમાં હોય જામીન પર છૂટવા માટે અંજારની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

સમગ્ર પ્રકરણમાં ઉપજનાર કાયદાકીય આટીઘુટીને ભેદવા માટે સરકાર દ્વારા સ્પે.  પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની નિમણુંક કરવામાં આવેલ નથી તેથી આરોપીએ કરેલ જામીન અરજીની નોટીસ મળતા સ્પે. પી. પી. તરીકે અંજાર સેશન્સ અદાલતમાં હાજર થયેલ હતાં.

જયારે સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલ કે આરોપી ખૂબ જ ચાલાક છે અને પોતે તમામ ગોઠવણ કરી શાર્પશૂટરોને ગુન્હાને અંજામ કઇ રીતે આપવો તે સમજાવી માત્ર પોતાની એલીબી (એટલે કે અલગ સ્થળે હાજરી) ઉભી કરવા માટે પુર્વાયોજીત કાવત્રાના ભાગરૂપે વિદેશ ચાલ્યા ગયેલ.

આરોપી છબીલ પટેલ વિરૂધ્ધ મજબુત પ્રથમ દર્શનીય કેસ હોય અને તેઓને જામીન આપવામાં આવે તો સાહેદોની સલામતી રહે તેમ ન હોય જે તમામ હકિકતો ધ્યાને લઇ જામીન અરજી નામંજૂર કરવા રજૂઆતો કરાયેલ હતી. તેમજ સરકાર પક્ષે સર્વોચ્ચ અદાલતના અલગ અલગ સમયે અપાયેલ અગીયાર ચુકાદાઓ રજૂ કરી જામીન અરજી રદ કરવા દલીલો કરાયેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અંજારના અધિક સેશન્સ જજ શ્રી એચ. એચ. કનારા એવા તારણ પર આવેલ કે, સમગ્ર કેસ કાગળો ધ્યાને લેતા હાલના આરોપી છબીલ પટેલ દ્વારા પોતાના રાજકીય હરીફને દૂર કરવા, પોતાના મળતીયા સાથે કાવત્રા કરવામાં આવેલા અને કાવત્રાના ભાગરૂપે આયોજનબધ્ધ રીતે આખરી કાવત્રાને ભાડુતી માણસોના સહારે અંજામ આપવામાં આવેલ છે. વધુમાં મરણ જનારને પાડી દેવા અનેક ખેલ-કાવત્રા તપાસ દળ દ્વારા તપાસમાં સપાટી ઉપર લાવવામાં આવેલ છે જેમાં સંબંધીત આરોપીઓનો પ્રત્યક્ષ-પરોક્ષ રોલ ઉજાગર કરવામાં આવેલ હોવાનું જણાય છે તેમજ તપાસના સાધનીક કાગળો તેમજ કબ્જે કરાયલ દ્રષ્ય-શ્રાવ્ય પુરાવો, સમગ્રપણે જોતા, આરોપી છબીલ પટેલ સામે ખુબ જ ગંભીર પ્રકારનો પ્રથમ દર્શનીય અને વેલ ફાઉન્ડેડ કેસ જણાય છે.

આ ઉપરાંત આરોપીએ બનાવ સમયે ટ્રેનમાં હાજર સાહેદને ફોડવા માટે પ્રયત્ન કરેલ હોય તે સંદર્ભે અલગથી ગુન્હો નોંધાયેલ છે ત્યારે સાહેદની સલામતીને પ્રાથમિકતા આપવી જોઇએ તેવું ઠરાવી ગુન્હાની  ગંભીરતા ધ્યાને લઇ સ્પે. પબ્લીક પ્રોસીકયુટર દ્વારા કરવામાં આવેલ દલીલો માન્ય રાખી આરોપી છબીલ નારણભાઇ પટેલની જામીન અરજી નામંજૂર કરેલ હતી.

આ કામમાં સરકાર તરફે સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીએ રજૂઆતો કરેલ હતી.

(12:38 pm IST)
  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST

  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST