Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમરેલી જિલ્લાના ટેકનોક્રેટ શિક્ષકે વિકસાવી નવતર શૈક્ષણિક પ્રયોગો એપ

૩૦૦ જેટલા શૈક્ષણિક પ્રયોગો દેશ-દુનિયાના કોઇપણ ખૂણેથી નિહાળી શકાશેઃ લોન્ચ થયાના માત્ર ચાર જ દિવસમાં ૫૦૦થી વધુ શિક્ષકો જોડાયાઃ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ આવી એપ વિકસાવનાર સંજય પારઘી

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સિદ્ધ કરવા અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહીસા ગામના શિક્ષક શ્રી સંજય પારઘીએ કમર કસી છે. કોમ્પ્યુટરની કોઈ ડિગ્રી ન હોવા છતાં અંગત રુચિ હોવાથી કોમ્પ્યુટરમાં સારું જ્ઞાન ધરાવનાર સંજયભાઈને વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના શિક્ષકોએ છેલ્લા ૫ વર્ષમાં ૩૦૦ જેટલા શૈક્ષણિક ઇનોવેશનો (નવતર અભિગમો) રજુ કર્યા હતા પરંતુ આવા શૈક્ષણિક ઇનોવેશનોની પહોંચ ઓછી હોવાથી એનો ઉપયોગ સીમિત થયો હતો. આથી એમણે ડિજિટલ માધ્યમથી સમગ્ર જિલ્લા સહીત રાજ્યભરના શિક્ષકો સુધી પહોંચે તે માટે એન્ડ્રોઇડ એપ બનાવવાનું નક્કી કર્યું.

દર વર્ષે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા એજયુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં વર્ષ ૨૦૧૫-૧૬ માં કુલ ૫૬, વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૬૨, વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૬૫, વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૫૦ અને વર્ષ ૨૦૧૯-્ર૨૦માં કુલ ૬૧ એમ કુલ મળીને અંદાજે ૩૦૦ જેટલા નવતર પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. સંજયભાઈએ સમગ્ર જિલ્લા સહીત રાજ્યના શિક્ષકોને ઉપલબ્ધ થાય તે માટે નવતર શૈક્ષણિક પ્રયોગો એપ વિકસાવી આ તમામ ૩૦૦ ઇનોવેશનની સંપૂર્ણ માહિતી મૂકી હતી. ગત તૉં ૨ જાન્યુઆરી ૨૦૨૦ ના આ એપ લોન્ચ કરવામાં આવી હતી અને આજ સુધીમાં અંદાજે ૫૦૦ થી વધુ શિક્ષકમિત્રો જોડાયા છે.

વાતચીત દરમિયાન સંજયભાઇએ જણાવ્યું હતું કે શિક્ષણને વધુમાં વધુ અસરકારક બનાવવા માટે શિક્ષકો પોતાના શિક્ષણ કાર્યમાં અવનવા પ્રયોગો કરતા જ રહે છે જેના થકી શાળાના બાળકો અને શિક્ષણકાર્યમાં ખુબ જ પરિવર્તન થતું રહે છે. જયારે શિક્ષક તરીકે અમને સમાજના આવતીકાલ એવા બાળકોનું ઘડતર કરવાની તક જયારે મળી છે ત્યારે અમે રાજ્ય સરકારને ખુબ જ આભારી છીએ. આ એપ્લિકેશન બનાવવામાં મારા અથાગ પ્રયત્નો અને તનતોડ મહેનત છે. આ એપ્લિકેશનના માધ્યમથી મારા જેવા હજારો શિક્ષકમિત્રો એક બીજાના નવતર પ્રયોગોને નિહાળી શકશે અને જો એમને ગમે તો એ પોતાના શિક્ષણ કાર્યમાં ફોલો પણ કરી શકશે. આ એપ્લિકેશન ઉપરાંત વાંચન લેખન ગણન, બાળગીત કાવ્ય ખજાનો, સાયન્સ મોડેલ્સ, આલ્ફાબેટ્સ અને સ્કૂલ સાથી જેવી અન્ય શૈક્ષણિક એપ્લિકેશન વિકસાવી છે. આ બધી એપ્લિકેશનોનો લગભગ ૧ લાખ જેટલા લોકોએ લાભ લીધો છે.

અમરેલીના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જિલ્લા ઇનોવેશન કોપ્રઓર્ડીનેટર  ભરતભાઈ ડેર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સુશ્રી દક્ષાબેન પાઠકે અને શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ રાજ્યના તમામ શિક્ષકોને શિક્ષણ કાર્યમાં મદદરૂપ થાય એવી એપ્લિકેશન વિકસાવવા બદલ  અભિનંદન આપ્યા હતા.

- આલેખનઃ

સુમિત ગોહિલ

જિલ્લા માહિતી કચેરી

અમરેલી

(11:45 am IST)