Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજયના ખેડૂતોને જોડાવા કિસાન એકતા સમિતિ દેવભૂમી દ્વારકા જિલ્લાના પ્રમુખની અપીલ

પાક વિમાના મુદ્દે ગાંધીનગરમાં ચાલતી લડતમાં

ભાણવડ તા.૮ : ગાંધીનગર ખાતે સેકટર ૬માં કિસાન એકતા સમિતિ અને કિસાન ક્રાંતી ટ્રસ્ટ તેમજ અન્ય કિસાન સંગઠનો દ્વારા પાક વિમાના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે તેમાં ગુજરાત રાજયના તમામ તાલુકાના જિલ્લાના પ્રમુખોએ ધામા નાખીને સમર્થન આપેલ છે ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લા કિસાન એકતા સમિતિના પ્રમુખ રમેશભાઇ ગોવાભાઇ મારૂએ રાજયના તમામ ખેડૂતોને સંબોધીને અપીલ કરી છે કે કિસાનોના હક માટેની આ લડતમાં રાજયના કુલ અઢાર હજાર ગામડાઓના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે એક એક ખેડૂત આ આંદોલનમાં જોડાય તો આંદોલનમાં અઢાર હજારની સંખ્યા થાય અને પોતાના હકક માટે વિમા કંપની અને સરકારની આંખ ઉઘાડી શકાય વધુમાં અપીલ કરી છે કે ખેડૂતો પાસેથી પુરૂપુરૂ પ્રિમીયમ વસુલ કર્યા પછી વિમા કંપની અતિવૃષ્ટિ અને વાવાઝોડાને લીધે ધોવાય ગયેલ પાકનુ સો ટકા વળતર આપવાને બદલે ઠેંગો બતાવી રહી હોય નુકશાનીનો વિમો મળવો એ આપણો હકક છે અને આ આપણા હકક માટે લડત કરવા રાજયના ખેડૂતો આગળ આવે અને આ આંદોલનમાં જોડાય.

ત્યારે ગાંધીનગર ખાતે ચાલી રહેલા આંદોલનમાં કિસાન એકતા સમિતિ, કિસાન ક્રાંતી ટ્રસ્ટ સહિતના અનેક કિસાન સંગઠનોના તાલુકા જિલ્લાના પ્રમુખો જોડાયા છે તો આંદોલનને સમર્થન આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો તથા કરણીસેનાના ગુજરાત રાજય પ્રમુખનો પણ ટેકો સાંપડેલ છે. ત્યારે રાજયભરના ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાય એ મુજબની અપીલ દેવભૂમી દ્વારકા જિલ્લા કિસાન એકતા સમિતિના પ્રમુખ રમેશભાઇ ગોવાભાઇ મારૂએ કરેલ છે.

(11:44 am IST)