Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નખત્રાણા પંથકમાં હૃદયરોગથી મૃત્યુ પામેલાં મનાતાં યુવકની મૃતદેહને સમાધિમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

મોટી વિરાણીમાં પત્ની જોડે રહેતા કેતનનું હાર્ટએટેકથી મોત થયાનું સરકારી હોસ્પિટલે જણાવેલ : કેતનનું મોત કુદરતી નહીં હોવાનો ભુજથી ફોન આવતા પીએમ કરાવવા નિર્ણંય

 નખત્રાણાઃ નખત્રાણાના મોટી વિરાણીમાં  મૃત્યુ પામેલાં અને સામાજિક રિવાજ મુજબ દફન કરાયેલાં 24 વર્ષિય ગોસ્વામી યુવકના મૃતદેહને સમાધિમાંથી બહાર કઢાઈ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી અપાયો છે. કેતનપુરી પ્રવિણપુરી ગોસ્વામી નામના યુવકનું રવિવારે રાત્રે મોત નીપજ્યું હતું. કેતન મોટી વિરાણીમાં પત્ની જોડે રહેતો હતો. આ જ ગામમાં તેના સાસરીયા પણ રહે છે. રવિવારે રાત્રે જમ્યાં બાદ કેતન એકાએક ઢળી પડતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો.

  નખત્રાણાની સરકારી હોસ્પિટલે કેતનને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવી તેને મૃત જાહેર કર્યો હતો. કેતનના મોતને કુદરતની મરજી ગણી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર સોમવારે નખત્રાણામાં ગોસ્વામી સમાજના સ્મશાનગૃહમાં સમાધિ અપાઈ હતી.

  નખત્રાણાના ઈન્ચાર્જ પીઆઈ વી.એચ.ઝાલાએ જણાવ્યું કે, સોમવારે સવારે 7 વાગ્યાના અરસામાં નખત્રાણા પોલીસ મથકે ભુજથી મહેશનગર કલ્યાણગર ગોસ્વામી નામના શખ્સનો ફોન આવ્યો હતો. મહેશગરે કેતનનું મોત કુદરતી નહીં હોવાની શંકા દર્શાવી તેની અંતિમવિધિ અટકાવવા પોલીસને રજૂઆત કરી હતી. જો કે, પોલીસ પહોંચી ત્યારે કેતનની અંતિમવિધિ પૂર્ણ થઈ ગઈ હતી. બીજી તરફ, ફોન કરનાર મહેશગરનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કેતનની માતાનો સંપર્ક કરતાં માતા ભગવતીબેને જુવાનજોધ દીકરાના અકાળે મોત અંગે શંકા વ્યક્ત કરી પોસ્ટમોર્ટમ કરાવવા માંગણી કરી હતી. જેથી નખત્રાણાના ઈન્ચાર્જ નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ વગેરે સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં કેતનના મૃતદેહને પુનઃ બહાર કઢાયો હતો

  સમગ્ર કાર્યવાહીની વિડિયોગ્રાફી કરાઈ હતી. કેતનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મેડિકલ કોલેજ મોકલી અપાયો છે. મરનાર કેતને બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતા. તે નખત્રાણામાં દાબેલીની રેંકડી ચલાવતો હતો. લગ્ન બાદ તે નખત્રાણા રહેતી વિધવા માતા સાથે રહેવાના બદલે સાસરીના ગામ વિરાણીમાં રહેવા આવી ગયો હતો. કેતનની માતા ભગવતીબેને આજે માધ્યમો સમક્ષ દીકરાના અકાળે મોત અને ત્યારબાદ અંતિમક્રિયામાં કરાયેલી ઝડપ સહિતના મુદ્દે શંકાઓ વ્યક્ત કરી હતી. આ બનાવે સમગ્ર તાલુકામાં ચકચાર સર્જી છે. હવે સૌની મીટ પીએમ રીપોર્ટ પર મંડાઈ છે.

(9:48 pm IST)
  • 27 ઉદ્યોગપતિઓને મળ્યા સીએમ ઉદ્ધવ ઠાકરે : કહ્યું મહારાષ્ટ્રને આગળ લાવવું છે :ઉદ્યોગપતિઓને પરેશાન થવા દઈશું નહીં : રોકાણ માટે બહેતર માહોલ બનાવશું : સમસ્યાના ઉકેલની આપી ખાતરી access_time 1:25 am IST

  • ઈરાને આજે અમેરીકન મથકો ઉપર હુમલો કરતા ભારતનો રૂપિયો ડોલર સામે ૨૦ પૈસા તૂટી ગયો છે અને આજે સવારે ૧ ડોલર = રૂ.૭૨.૦૨ પૈસા રહ્યો હતો access_time 1:01 pm IST

  • ટ્રેઝરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયાઃ પગારદારો-બીલ મૂકનારામાં દેકારોઃ મોટો ટેકનીકલ ફોલ્ટને કારણે રાજકોટની તિજોરી કચેરીનું પગાર બીલનું સર્વર ત્રણ દિ'થી ઠપ્પ : તમામ ચેકો અટકયા પગારદારો-બીલ મૂકનારામાં દેકારો : બીલ અંગેની કામગીરી ઠપ્પ : ગાંધીનગર પણ જાણ કરાઇ : ફોલ્ટ નિવારવા મથામણ.. access_time 3:58 pm IST