Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સૌરાષ્ટ્ર ઠુંઠવાયું : ૮થી ૧૦ ડીગ્રી સાથે ઠંડા પવનો ફુંકાયા : ગિરનારમાં ૪ ડીગ્રી

રાજકોટ-૧ર ડીગ્રી, જામનગર-૧૦ ડીગ્રી, નલીયા-૭ ડીગ્રી, જુનાગઢ ૮.૪ ડીગ્રી, ભાવનગર ૧૩ ડીગ્રી, સુરેન્દ્રનગર ૧૦.પ ડીગ્રી ઠંડી સાથે રર કિ.મી. સુધીની ઝડપે પવનોના સુસવાટા

રાજકોટ, તા. ૮ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ફરી ઠંડીનો દોર શરૂ થયો છે અને ગઇરાતથી સૌરાષ્ટ્રભરમાં ૮થી ૧૦ ડીગ્રી જેટલી ઠંડી સાથે ઠંડા પવનો ફુંકાતા સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી હતી.

સૌરાષ્ટ્રના મુખ્ય શહેરો રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર વગેરે શહેરોમાં પણ ઠંડી સાથે પવનો ફૂંકાતા લોકોએ ગરમ કપડામાં વિટવાઇને બહાર નીકળવું પડયું હતું. સૌરાષ્ટ્રમાં કયાં કેટલી ઠંડી હતી તેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જુનાગઢ

જુનાગઢ : આજે એકજ દિવસમાં સોરઠમાં ૮.૪ ડીગ્રી ઠંડી વધતા લોકો ઠુંઠવાય ગયા હતા. ગિરનાર ઉપર ૪ ડીગ્રી ઠંડી રહી હતી.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગ્રી રહ્યા બાદ ગત રાત્રે ઝંઝવાતી પવન ફુંકાયા પછી વ્હેલી સવારથી ફરી ઠંડીએ પક્કડ જમાવી હતી.

આજે સવારે જુનાગઢનું તાપમાન ૮.૪ ડીગ્રીમાંથી ૯ ડીગ્રીએ સ્થિર થતાં સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જયારે ગિરનાર પર્વત ઉપર ૪ ડીગ્રી હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી અને પરોઢીએ કુદરતી કરફયુ થઇ ગયો હતો.

સવારે ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૧ કિ.મી.ની રહી હતી.

ભાવનગર

ભાવનગર : ભાવનગરમાં સુસવાટા મારતા રર કિ.મી. ઝડપે ફુંકાતા પવન એ લોકોને થથરાવી દીધા હતા.

ભાવનગરમાં લઘુતમ તાપમાન ૧૩.૪ ડીગ્રી થયું હોવા છતાં દિવસભર અને રાત્રે પણ સુસવાટા મારતા કાતિલ પવનોથી ઠંડી વધુ અનુભવાઇ છે. શહેરનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડીગ્રી અને મધ્યમ તાપમાન રપ.૧ ડીગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩પ ટકા અને પવનની ઝડપ રર કિ.મી. પ્રતિકલાકની રહી હતી. ઠંડા પવન એ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરાવ્યો છે.

જામનગર

 જામનગર : જામનગરમાં આજે ઠંડી ૧૦ ડીગ્રી નોંધાઇ હતી અને ૬ર ટકા ભેજ સાથે ૭.૮ કી.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા રાત્રે લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.

સુરેન્દ્રનગર

 સુરેન્દ્રનગર : જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પાસે નીચે જતા લોકો હવે ફડકડતી ઠંડીનો ચમકારાનો સામનો કરી રહ્યા છે. ઠંડી સામે રક્ષણ માટે મેળવવા લોકો ગરમ કપડાઓ તેમજ તાપણાનો ઉપયોગ કરતા થઇ ગયા છે કારણ કે તા. ર૮ ડિસેમ્બરે ૧૦.પ ડીગ્રીએ તાપમાન ગગડતા તેની અસર શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં થઇ હતી. હાલમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થઇ રહેલી હિમવર્ષાના લીધે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એમાંય ઠંડીના જોર વચ્ચે સુસવાટા મારતા પવનના લીધે મોડી સાંજ પછી અને વહેલી સવારે લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. આવા સમયે ઠંડા પવનની અસર જિલ્લામાં ત્રણ ચાર દિવસોમાં વધુ જોવા મળી રહી છે જેના કારણે તા. ૭ જાન્યુઆરીને સોમવારે ઠંડીના ચમકારાથી ઠેર ઠેર લોકો તાપણા કરતા દેખાયા હતા. આમ સુરેન્દ્રનગર, હળવદ, લખતર, વઢવાણ, પાટડી સહિત ઝાલાવાડમાં ઠંડીનું જોર વધતા વહેલી સવારે અને રાતે તેની અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં કયાં કેટલી ઠંડી

ગુજરાતમાં : અમદાવાદ-૧૩.૬, ડીસા ૯૪., વડોદરા ૧ર.૪, સુરત ૧૩.૮, રાજકોટ ૧ર.ર, પોરબંદર ૧ર.૮, વેરાવળ ૧૪.૪, દ્વારકા ૧પ.૮, ઓખા ૧૯.૮, ભુજ ૧૦.૮, નલીયા ૭, ન્યુ કંડલા ૧ર.૮, અમરેલી ૧૧.૮, ગાંધીનગર ૧ર.ર, મહુવા ૧૪.૮, દિવ ૧૪.૬, વલસાડ ૧૯.૬ વગેરે શહેરોમાં ઠંડીનું પ્રમાણ રાજયના હવામાન વિભાગે નોંધ્યું છે. (૮.૮)

(11:25 am IST)