Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વિધાનસભા અંદાજ સમિતિએ બે દિવસ કચ્છના પ્રવાસન સ્થળો - યાત્રાધામના વિકાસનો વિસ્તૃત અભ્યાસ પ્રવાસ કર્યો

કચ્છના પવિત્ર યાત્રાધામોના વિકાસના રૂ. ૧૫.૪૩ કરોડના ખર્ચે થનારા કામો સંબંધે પ્રગતિની સમિતિને અપાઇ રૂપરેખા

ભુજ તા. ૮ : ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ કચ્છના પ્રવાસન સ્થળો તેમજ યાત્રાધામોના વિકાસના વિકાસ અભ્યાસ હેતુ માટે અભ્યાસ પ્રવાસ આરંભ્યો હતો.

આ સમિતિમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, પણદા  વજેસિંગભાઈ પરસિંગભાઈ-દાહોદના ધારાસભ્ય, ડીંડોર  કુબેરભાઈ મનસુખભાઈ-સંતરામપુરના ધારાસભ્ય પટેલ હસમુખભાઈ સોમાભાઈ- અમરાઇવાડીના ધારાસભ્ય, ઠાકોર  શંભુજી ચેલાજી- ગાંધીનગર(દક્ષિણ)ના ધારાસભ્ય, પાટીલ શ્રીમતી સંગીતાબેન રાજેન્દ્રભાઈ, લીંબાયતના ધારાસભ્ય, કોળી પટેલ  સોમાભાઈ ગાંડાલાલ-લીંબડીના ધારાસભ્ય, મોહનસિંહભાઈ છોટાઉદેપુરના ધારાસભ્યની બનેલી અંદાજ સમિતિએ કચ્છના પ્રવાસન સ્થળો તેમજ પવિત્ર યાત્રાધામોનો અભ્યાસ પ્રવાસ કર્યો હતો.

પ્રથમ દિવસે કાળોડુંગર અને ધોરડોની મૂલાકાત લઇ કચ્છના પ્રવાસન સ્થળોનો અભ્યાસ પ્રવાસ કરી ધોરડો ખાતે પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા-વિચારણા કરી હતી.

બીજા દિવસે ધોરડોથી માતાનામઢ, કોટેશ્વર અને નારાયણ-સરોવરની મૂલાકાત લઇને કચ્છના યાત્રાધામોના વિકાસ માટેનો ચિતાર મેળવ્યો હતો.

કોટેશ્વર ખાતે મંદિર પરિસર, ભોજનાલય, મુખ્યદ્વાર, શૌચાલય વગેરે માટે અંદાજિત રૂ. ૪૫૦ લાખની કરવામાં આવનાર કામગીરીની સમિતિને વિગતો આપવામાં આવી હતી. નારાયણ-સરોવર મુખ્ય મંદિરમાં સમારકામ, ચેંન્જિગ રૂમ, શૌચાલય, પાણીની વ્યવસ્થા, ભોજનાલય વગેરેના અંદાજિત રૂ. ૩૮૦ લાખના કામો માટે આર્કિટેકની નિમણુંક વગેરે કામગીરીની પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે કમિટિએ ચર્ચા-વિચારણા કરી હતી.

વધુમાં નારાયણ-સરોવર ખાતે ૬૩મી મહાપ્રભુજીની બેઠક માટે મુખ્ય જીર્ણોધ્ધારના કામો, શૌચાલય, પાણીની વ્યવસ્થાને સમાવીને અંદાજીત રૂ. ૨૦૦ લાખના કામોની પ્રગતિની સમીક્ષા સાથે પ્રવાસન વિભાગ દ્વારા આગામી તા.૧૦મી જાન્યુઆરીના ગાંધીનગર ખાતે પ્રેઝન્ટેશન કરવામાં આવનાર હોવાની ટીમને વિગતો અપાઇ હતી.

ભુજના સત્યનારાયણ મંદિર ખાતે અંદાજિત રૂ. રપ લાખના ખર્ચે શૌચાલય, પેવર બ્લોક અને રસોડું બનાવવાની કામગીરી અને ભુજ શહેરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત રૂ. રપ લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી આગામી ૧૫ દિવસમાં શરૂ કરાશે તેવી માહિતી આપેલ.

અંજાર તાલુકાના ખંભરા મુકામે વેલજી મતિયા દેવ સમાધિ મંદિર તથા તમામ પાયાની સુવિધાઓ, ભોજનાલય વગેરે માટે અંદાજિત રૂ. ૨૧૩ લાખના ખર્ચે કામોની સરકારશ્રીમાં મંજૂરીની દરખાસ્ત તેમજ માતાના મઢ ખાતેના ચાચરા કુંડના વિકાસ માટે અંદાજિત રૂ. ૨૫૦ લાખના કામોના ટુંક સમયમાં ટેન્ડર ઓનલાઇન કરવામાં આવશે તેવી માહિતી આ તકે માહિતી અંદાજ સમિતિની ટીમને આપવામાં આવી હતી.

આ કમિટિ સાથે નાયબ સચિવ એસ.એસ.મકવાણા    તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓ તેમજ લાયઝન અધિકારી બી.કે.ગઢવી તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યો હતા.(૨૧.૩)

(10:14 am IST)