Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકાનો રસ્‍તો બંધ કરાયો, વધુ એક બનાવટી ટોલનાકાનો વિડીયો વાયરલ ?

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૬ બામણબોર-કચ્‍છ હાઈવે પર વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલ પ્‍લાઝા પાસે બાહુબલિઓએ રોડની બંને સાઈડ ઊભા કરી દીધેલા ખાનગી ટોલનાકાની ઘટનાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી છે ત્‍યારે હાલ પોલીસ તંત્ર દ્વારા આ બનાવટી ટોલનાકુ જે ફેક્‍ટરીમાં કાર્યરત હતું તે ફેક્‍ટરીના અંદરથી જતા રસ્‍તાને બંધ કરી દેવામાં આવ્‍યો છે. આ માર્ગ પર પથ્‍થર અને માટી નાંખીને અવરોધ પેદા કરી રસ્‍તો બંધ કરવામાં આવ્‍યો છે.

 વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્‍લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ઉભુ કરી દેવાયું હતું. જ્‍યાં ટોલ પ્‍લાઝા નજીકની વ્‍હાઇટ હાઉસ નામની ફેક્‍ટરીના સંચાલકે પોતાની  પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્‍તો બનાવી દીધો હતો અને લાખોના ઉઘરાણા કર્યા હતા.આ મામલે વાંકાનેર શહેર પોલીસે ખુદ ફરિયાદી બની હતી. અને વ્‍હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ સહિત ૬ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.હાલ વ્‍હાઇટ હાઉસ નામની ફેક્‍ટરીમાંથી નીકળતા રસ્‍તાને તંત્ર દ્વારા પથ્‍થર અને માટી જેવા અવરોધો પેદા કરીને બંધ કરી દેવામાં આવ્‍યો છે.

  આ બનાવટી ટોલનાકાની ઘટના તાજી છે ત્‍યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્‍યાં જુના વઘાસીયા ગામની તળાવની પાળે વધુ એક ગેરકાયદેસર ટોલનાકુ કાર્યરત હોવાનું વીડિયોમાં દ્રશ્‍યમાન થઈ રહ્યું છે. આ વીડિયોમાં સ્‍પષ્ટપણે નિહાળી શકાય છે કે ગેરકાયદેસર ટોલનાકામાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ૩૦ થી ૫૦ રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને વાહન ચાલકો પણ હોશે હોશે આ ટોલનાકામાંથી પસાર થઈ રહ્યા છે.

 આ વિડીયો વાયરલ થવા બાદ સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે વઘાસીયા ગામની આસપાસ તપાસ કરવામાં આવે તો હજુ પણ ત્રણ જેટલા ગેરકાયદેસર ટોલનાકા કાર્યરત છે અને તેઓ બિન્‍દાસ પણે પોતાનો વ્‍યવસાય ચલાવી રહ્યા છે ત્‍યારે જોવાનું રહેશે કે આ વાયરલ વીડીયો અંગે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું!!

(12:04 pm IST)