Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીની અસર વધીઃ નલીયા ૯ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારની સાથોસાથ હવે દિવસ દરમિયાન પણ ઠંડકનો અહેસાસ

રાજકોટ,તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. આજે કચ્‍છના નલીયામાં ૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

દક્ષિણ ભારતમાં કહેર મચાવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત પર વાવાઝોડાની કોઇ સીધી અસર પડકવાની શકયતા તો નથી પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે પવન ફુંકાઇ શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૫ થી ૨૦ કિલોમીટર પ્રતિકલાકની રફતારની પવન ફુંકાઇ રહ્યા છે.

ત્‍યારે સાયક્‍લોનિક સકર્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંત દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજયમાં માવઠું થવાની શકયતા રહેશે. આ ઉપરાંત મધ્‍ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર અરવલ્લી, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે. આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શકયતા છે. જોકે, પાંચ દિવસ બાદ રાજયમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત છે. આ ઉપરાંત આગામી ૨-૩ દિવસમાં લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતા ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાન ૨૦.૭ ડીગ્રી રહેતા ગુલાબી ઠંડીનું મોજું યથાવત રહ્યું છે.

ગઈકાલે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન ૨૦.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે પણ સવારે એટલું જ તાપમાન એટલે કે ૨૦.૭ ડિગ્રી રહ્યું હતું. સાથે સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહેતા વહેલી સવારે ધુમ્‍મસનું પણ આક્રમણ થયું હતું. બીજી તરફ પવનની ઝડપ સામાન્‍ય થઈને પ્રતિ કલાક ૬.૫ કિલોમીટરની થતા તાપમાનનો પારો સ્‍થિર રહ્યો છે દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્‍યતા હોય ઠંડીમાં રાહત રહેશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી, મહતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી, ભેજ ૭૧ ટકા, પવનની ગતિ ૭.૫ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(11:59 am IST)