Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

પાલીકાએ કોઈ બેદરકારી દાખવી નથીઃ સમયાંતરે બંને પુલની માવજત કરાઇ છેઃ પાલીકા કમિશનરને પાલીકાનો જવાબ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલનાં રાજાશાહી સમયનાં બન્ને પુલની માવજત અંગે હાઇકોર્ટે દરમ્‍યાનગીરી કર્યા બાદ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા નગર પાલીકા ના સત્તાધીશોને બેદરકારી દાખવવા અંગે નગરપાલીકા ના સત્તાધીશોને સભ્‍યપદે થી દુર કેમ ના કરવા અંગે કારણદર્શક નોટિસ પાઠવી આજે તા.૭ નાં જવાબ આપવા ગાંધીનગર હાજર રહેવા નુ જણાવ્‍યું હોય બચાવપક્ષે નગર પાલીકાએ બન્ને પુલ ની જાળવણી અંગે દસ્‍તાવેજી પુરાવા સાથે જવાબ તૈયાર કર્યો છે અને પ્રમુખ, કારોબારી અધ્‍યક્ષ સહિત ગાંધીનગર હાજર રહયા  હતા.

મ્‍યુનિસિપલ કમિશનરની નોટિસનો જવાબ પાઠવતા કારોબારી અધ્‍યક્ષ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે તત્‍કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી તથા કારોબારી અધ્‍યક્ષ ઓમદેવસિંહ જાડેજાએ વર્ષ ૨૦૨૨ થી વર્ષ ૨૦૨૩નાં તેઓના કાર્યકાળ દરમ્‍યાન બન્ને પુલની જાળવણી અંગે સમયાંતરે સફાઇ,સમારકામ સહિત પુલ ની બાજુમાં ઉગી નીકળેલા વળક્ષોને દુર કરી બન્ને પુલ ની માવજત અંગે ગંભીરતા દાખવી છે.વધુમાં વર્તમાન પ્રમુખ મનીષભાઈ ચનિયારા અને કારોબારી અધ્‍યક્ષ તરીકે અમારા બે માસના સાશનમા પણ બન્ને પુલની જાળવણીને અગ્રતા આપી કાર્યવાહી કરીછે.

રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કહ્યુ કે જ્‍યારે મોરબી જુલતા પુલ ની દુર્ઘટના સમયે તત્‍કાલીન પ્રમુખ ભાવનાબેન રૈયાણી દ્વારા ગોંડલના બન્ને પુલની પરિસ્‍થિતિ અંગે રાજ્‍ય સરકારને અવગત કરાયા હતા આમ હેરિટેઝ એવા બન્ને પુલ અંગે પાલીકા તંત્ર દ્વારા કોઈ બેદરકારી રખાઇ નથી.

રાજેન્‍દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાના રુ.૭.૫૦ કરોડની ગ્રાન્‍ટ અંગે કરેલા આક્ષેપનું ખંડન કરી જણાવ્‍યું કે આ ગ્રાન્‍ટ પુલ માટે નહી પણ સ્‍વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત મળી હોય શહેરનાં રોડ રસ્‍તા સહિત અન્‍ય વિકાસકાર્યો પુર્ણ કરાયા છે. આશિશભાઇ કુંજડીયાએ પુરી જાણકરી વગર આક્ષેપ કરી અજ્ઞાનતા પ્રગટ કર્યાનુ તેમણે જણાવ્‍યુ હતુ.

(11:56 am IST)