Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

થાનમાં જીવદયા પ્રેમી વિરૂદ્ધ અરજીની તપાસમાં પોલીસે બેસાડી દેતા મામલો બિચક્‍યો

પોલીસ સ્‍ટેશન સામે જ લોકોએ રોષભેર રસ્‍તા રોકો છેડયું અંતે મુક્‍ત કરાતા મામલો થાળે પડયો

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૭: સુરેન્‍દ્રનગર ના થાનગઢ શહેરમાં પોલીસે એક જીવદયા પ્રેમી ને તેના વિરૂદ્ધ આવેલ અરજી સંદર્ભે બેસાડી દઇ જામીન નો આગ્રહ રાખતા મામલો બિચક્‍યો હતો અને લોકોનાં ટાળા તેને મુક્‍ત કરાવવા પોલીસ સ્‍ટેશન સામે રસ્‍તા ઉપર રોષભેર ઉતરી આવતા ચકચાર જગાવી હતી.

મળતી માહિતી મુજબ થાનગઢમાં રહેતા અને જીવદયા પ્રેમી સેવાભાવી એવા મુસ્‍લિમ યુવાન ફિરોજભાઇ ની વિરૂધ્‍ધ પોલીસના ચોપડે કુખ્‍યાત શખ્‍સ દ્વારા અગાઉ ના ઝગડાને લઈ ને ધાક ધમકી આપી હોવાની અરજી કરવામાં આવેલ જે બાબતે ફિરોજભાઇને પોલીસે બોલાવી બેસાડી દેતા લોકો ફરિયાદ ખોટી છે સાચી તપાસ કરવી જોઇએ જીવદયા નું કામ કરનારને છોડી દેવાની રજૂઆત કરાતા પોલીસે ચેપ્‍ટર જામીનનો આગ્રહ રખાતા મામલો બિચક્‍યો હતો.

સ્‍થાનિક જીવદયા પ્રેમીઓ અને લોકોમાં સારા વ્‍યક્‍તિ સાથે અયોગ્‍ય વ્‍યવહાર થયાની લાગણી પ્રવર્તતા મોટી સંખ્‍યામાં લોકો રોષભેર રસ્‍તા ઉપર ઉતરી આવ્‍યા હતા અને પકડેલ શખ્‍સ ને મુક્‍ત કરવાની માંગ સાથે પોલીસ મથક સામે રોડ ઉપર બેસી જતા થાન ચોટીલા વચ્‍ચેᅠ રસ્‍તા રોકો આંદોલન કરતા થોડો સમય વાતાવરણ ઉગ્ર થયેલ હતું.

જોકે પોલિસ અને ગામનાં આગેવાનો અને લોકો વચ્‍ચે વાતચીત અને જરૂર પડ્‍યે શહેર બંધ ની ઉગ્ર રજૂઆત દલીલો અને મસલતોનાં અંતે જીવદયા પ્રેમીને મુક્‍ત કરાતા અંતે મામલો થાળે પડ્‍યો હતો.

સમગ્ર મામલે અરજી સંદર્ભે ધોરણસરની કાર્યવાહી કરાયેલ હોવાનું તપાસ અધિકારી એ જણાવ્‍યું હતું.

થોડા સમય માટે શહેરમાં ઘર્ષણરૂપ વાતાવરણ સર્જાયેલ હતુ પરંતું અધિકારીઓ દ્વારા હકિકત જાણી નિર્ણય કરાતા પરિસ્‍થિતિ વણસતા રહી ગયેલ હતી.

(11:54 am IST)