Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ગિરનાર પરિક્રમામાં વૃધ્‍ધની મદદ કરતા પોસ્‍ટ માસ્‍તરના પત્‍નીનો મોબાઈલ ચોરાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭ : પરિક્રમામાં બેશુદ્ધ વૃદ્ધની મદદ કરવા જતા પોસ્‍ટ માસ્‍તરના પત્‍નીએ મોબાઈલ ગુમાવ્‍યો હોવાનું સામે આવ્‍યું છે. બોટાદના પોસ્‍ટ માસ્‍તર જગદીશભાઈ રામદાસ લશ્‍કરી પત્‍ની શીતલબેન અને પુત્ર કુલદીપ સાથે ૨૩ નવેમ્‍બરના રોજ ગિરનારની લીલી પરિક્રમા કરવા આવ્‍યા હતા.

પરિક્રમા દરમિયાન માળવેલા ઘોડીથી આગળ રસ્‍તા પર એક વૃદ્ધ યાત્રીક બેભાન જોવા મળતા આ દંપતી પ્રાથમિક સારવાર માટે દોડી ગયું હતું. આ દરમિયાન બાજુમાં રાખેલ પત્‍નીના લેડીઝ પર્સમાંથી ગીર્દીનો લાભ લઈને અજાણ્‍યો ઈસમ રૂપિયા ૧૮,૩૫૬ની કિંમતનો મોબાઇલ ફોન અને પોસ્‍ટ માસ્‍તર નોકરીનું આઈ કાર્ડ ચોરીને નાસી ગયો હતો. આ અંગે બુધવારે જગદીશભાઈ લશ્‍કરીની ફરિયાદ લઈ ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:09 am IST)