Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મોરબી: ભાજપનો જૂથવાદ સપાટી પર : અજય લોરિયાએ પોતાના પરના આક્ષેપો અંગે વિડિયો પોસ્ટ કર્યો.

પરિણામ પેહલા જ મોરબીનું સ્થાનિક રાજકારણ ગરમાયુંભાજપ અગ્રણી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર વિડીયો પોસ્ટ કર્યો

મોરબી : આવતીકાલે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પૂર્વે જ મોરબીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે,ગઈકાલે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાને મૂંગા મોઢે પાડી દેવા અંગે ઓડિયો વાયરલ થયા બાદ કાંતિલાલ અમૃતીયાના ભાઈ કે.એસ.અમૃતીયાએ તા.8 ડિસેમ્બર બાદ સહકારી અગ્રણીને જોઈ લેવા ધમકી આપ્યાનો અને અજય લોરિયાને આમ કર્યું તેમ કર્યું અંગેની અફવાઓનું ખંડન કરતો વિડીયો ખુદ અજય લોરિયાએ પોતાના ફેસબુક પેઈજ ઉપર અપલોડ કરતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે.
કોરોના કાળમાં મોરબી સહિતના અનેક શહેરોમાં રેમડેસીવીર ઈન્જેક્શનની સેવા આપનાર તેમજ દેશના વીર શહીદ જવાનોના પરિવારને હાથોહાથ સહાય ચૂકવી રાષ્ટ્રભક્તની ઉપમા મેળવનાર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાને ચૂંટણી સભામાં ભાજપના ઉમેદવાર એવા કાંતિલાલ અમૃતીયાએ બદનામ કર્યાનો આરોપ લગાવી આજે ભાજપના જ સેવાભાવી અજય લોરિયાએ એક વિડીયો પોસ્ટ કર્યો છે.
અજય લોરિયાએ પોસ્ટ કરેલા અંદાજે અઢી મિનિટના આ વીડિયોમાં તેઓ જણાવે છે કે આ વિડીયો હું મતદાન પહેલા પણ પોસ્ટ કરી શકતો હતો પરંતુ હું પાર્ટીનો સેવક છું જેથી પાર્ટીને નુકશાન થાય તે માટે આવું નથી કર્યું.વધુમાં તેઓ ઉમેરે છે કે આજ કાલ બજારમાં એક ચર્ચા ચાલે છે કે અજય લોરિયાને ઉપાડી ગયા…આમ કર્યું…તેમ કર્યુંત્યારે આવી વાતો માત્રને માત્ર અફવા ગણાવી અજય લોરિયાએ કહ્યું હતું કે કોઈ માયનો લાલ પેદા નથી થયો કે અજય લોરિયાને ટચ કરી શકે,
 ઉપરાંત મતદાનના દિવસે વાઘપર ગામે કાંતિલાલ અમૃતિયાના ભાઈ કે.એસ.અમૃતીયાએ સહકારી ક્ષેત્રના અગ્રણી વિનુભાઈ લોરિયાને 8 તારીખ બાદ જોઈ લેવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ પણ તેમને આ વીડિયોમાં કર્યો છે અને જાહેરસભામાં કાંતિલાલ અમૃતિયા દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શનના બે નંબર કરતા હોવાનો આરોપ તેમના વિરુદ્ધ કરતા હોવાનું જણાવી કાંતિલાલને જાહેરમાં પોતાનું નામ બોલવા જણાવી કોરોના કાળમાં રાતદિવસ જોયા વગર અમદાવાદ ઝાયડ્સ કેમ્પસમાં સેવા કરનાર યુવાનોનું મોરલ તોડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
અંતમાં અજય લોરિયાએ કાંતિલાલ અમૃતીયાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમે મને સમાજમાં બદનામ કરશો કે આર્થિક નુકશાન પહોંચાડશો તો પણ મારા સેવાકાર્યો બંધ નહીં થાય તેવું કહી આવારા તત્વો દ્વારા તેમના કાર્યોમાં અંતરાયો ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ અમે બમણા જોશથી કામ કરશું તેવું તેમને જણાવ્યું હતું. આમ ચૂંટણી પરિણામો પૂર્વે જ મોરબી ભાજપમાં ચાલતો ગજગ્રાહ સપાટી ઉપર આવતા તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે

(10:24 pm IST)