Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કંડલા બંદરનો વિકાસ તેજ ગતિએઃ બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી

ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતિમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમજ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા

ભુજ,તા.૭: દિન દયાળ પોર્ટ કંડલાના ટ્રસ્ટી મંડળની યોજાયેલી બેઠકમાં કંડલા બંદરનાં વપરાશકારોની સુવિધા અર્થે વિવિધ મહત્વના નિર્ણયો કરાયા હતા. જોકે, આ બેઠકમાં કર્મચારીઓની પોસ્ટ નાબુદી અંગે તેમ જ જમીનની ટ્રાન્સફર ફી ના મુદ્દે વિરોધ અને નારાજગી પણ વ્યકત કરાઈ હતી. ડીપીટીના ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં યોજાયેલી આ બેઠકમાં દેશના નંબર વન એવા કંડલા બંદરની. માળખાગત સુવિધાઓને વિસ્તારવા માટે તેમ જ પ્રદુષણ રોકવા માટે અંદાજીત રૂપિયા ૪૨૫ કરોડના ખર્ચનું આયોજન કરાયું છે. જે અંતર્ગત કંડલા બંદરના ૬૬ હેકટરના બેક અપ વિસ્તારમાં બિસમાર થઈ ગયેલા રસ્તાઓનું રૂપિયા ૨૧ કરોડના ખર્ચે રીપેરીંગ કરાશે. બંદરની ૭ નંબરની જેટી થી ૧૦ નંબરની જેટીમાં પડતા ગાબડાઓ નિવારવા માટે ૭૯ કરોડના ખર્ચે આ ચાર જેટીઓનું આધુનિક પદ્ઘતિ દ્વારા રીટ્રો ફિટિંગ કરાશે. જુના કંડલા મધ્યે ઓઈલનું વહન કરવા માટે ૧૭૮ કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈનો બેસાડવામાં આવશે. કોલસાની હેરફેર માટે ૫૨ કરોડના ખર્ચે નવો ૨૫ હેકટર બેક અપ અને કસ્ટમ બોન્ડ એરિયા વિકસાવવામાં આવશે. કંડલા બંદરે ઉતરતા આયાતી કોલસાની ઊડતી ઝીણી રજકણોનું પ્રદુષણ રોકવા માટે અલગ અલગ જગ્યાએ ૨૨ કરોડના ખર્ચે લોખંડની ઝીણી ઝીણી જાળીઓ બેસાડવામાં આવશે. દિન દયાળ પોર્ટ દ્વારા સામાજિક જવાબદારીના ભાગ રૂપે સીએસઆર હેઠળ ફળવાયેલા ૨૪ કરોડના કામ ઉચ્ચ કક્ષાએ દિલ્હી મંજૂરી અર્થે મોકલવામાં આવ્યા છે. જેમાં વાડીનાર મધ્યે સ્કૂલ બનાવવાનો પણ સમાવેશ થાય છે.

જોકે, આ બેઠકમાં કર્મચારીઓની દ્યટ વચ્ચે ૬૩૭ પોસ્ટ નાબૂદ કરવા સામે લેબર ટ્રસ્ટીઓએ વિરોધ કરતાં તે નિર્ણય મુલતવી રહ્યો હતો. આ ઉપરાંત લિકવિડ સ્ટોરેજ ટેન્ક માટેની ૭૦ એકર જમીનના ઇ ટેન્ડરિંગ અંગે જમીનના વધુ ભાવ સામે નારાજગી વ્યકત કરાતાં આ ઠરાવ પડતો મુકાયો હતો. બંદર ઉપર ખાતરની હેરફેર માટે આવેલું ટેન્ડર રદ્દ કરાયું હતું. લેબર ટ્રસ્ટીઓ એલ. સત્યનારાયણ અને મનોહર બેલાણીની રજૂઆતોને પગલે કર્મચારીઓની કેન્ટીન સબસીડી, મરીન સ્ટાફ માટે નાઈટ નેવિગેશન એલાઉન્સ, લદ્યુતમ ફેમિલી પેન્શન વધારવા માટે પણ મહત્વના નિર્ણયો કરાયા હતા.(૨૨.૨૬)

(3:52 pm IST)