Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ટંકારાના સાવડી ગામે ઘેલાભાઇ ચૌહાણની હત્યા કરનાર આદિવાસી શખ્સના રીમાન્ડ મંગાશે

દારૂની મહેફીલમાં ઝઘડો થતા આદિવાસી શખ્સ અને સગીરે ગળેટૂપો દઇ પતાવી દિધા'તાઃ મોરબી ટંકારા પોલીસે ભેદ ઉકેલ્યો

તસ્વીરમાં પકડાયેલ આદિવાસી શખ્સ (નીચે બેઠેલ) સાથે પોલીસ કાફલો નજરે પડે છે.(૧.૭)

મોરબી તા.૭: ટંકારાના સાવડી ગામની સીમમાં વૃધ્ધની હત્યાનો મોરબી એલસીબી અને એસઓજી ટીમે ભેદ ઉકેલી હત્યા કરનાર આદિવાસી શખ્સ અને સગીરને ઝડપી લઇ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલ બંન્નેએ દારૂની મહેફીલમાં ડખો થતા વૃધ્ધને પતાવી દિધાની કેફીયત આપી છે.

ટંકારા તાલુકાના સાવડી ગામની  સીમમાં વાડીની ઓરડીમાં ઘેલાભાઇ વશરામભાઇ ચૌહાણની હત્યા થઇ અને આરોપીઓ લૂંટ ચલાવી નાસી ગયા હોય તેવી ફરીયાદ બાદ ટંકારા પોલીસ એલસીબી તેમજ એસઓજી ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી ભૂદર નારસિંહ દીતેલીયાભાઇ તડવી આદિવાસી (ઉ.વ.૨૭) રહે સાવડી ગામની સીમમાં વાડીમાં અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવાયા છે. આરોપી ભૂદર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મૃતક ઘેલાભાઇ ચૌહાણની વાડીએ સાથે દારૂ પીવા ગયા હતા અને દારૂ પીધા બાદ બોલાચાલી થતા ગળું દબાવી હત્યા કર્યાની કેફીયત આપી છે અને બે મોબાઇલ લઇને આરોપી નાસી ગયા હતા જે બંને મોબાઇલ જમીનમાં દાટેલ મળી આવ્યા હતા. જે રીકવર કર્યા છે જયારે ૧,૨૫,૦૦૦ની રોકડ રકમ બનાવ સ્થળેથી જ મળી આવ્યા હોવાનું જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

પકડાયેલ આદિવાસી શખ્સને આજે રેમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ ટંકારાની પી.એસ.આઇ એલ.બી.બગડા ચલાવી રહ્યા છે.

(1:07 pm IST)