Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભૂજ ઓપન હાઉસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે ૬૬ માંગણીના હુકમો આપ્યા

ભુજમાં ખુલ્લા મંચ કાર્યક્રમમાં રેકર્ડ બ્રેક ૩૦૪૮ હુકમો જુદા- જુદા સમયે અપાયા

ભુજ,તા.૭:રાજય સરકારના લોકાભિમુખ વહીવટ અભિગમને નજર સમક્ષ રાખી આજે ભુજ ખાતે આયોજિત ખુલ્લામંચ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના હસ્તે બિનખેતી સહિતના ૬૬ જેટલી વિવિધ માંગણીઓના કેસોના હુકમો અરજદારોને અર્પણ કરવામાં આવ્યાં હતા.

ભુજની કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 'ઓપન હાઉસ'કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઓપન હાઉસના કાર્યક્રમના માધ્યમથી અરજદારોના કામોનો સરળતાથી પારદર્શક રીતે નિરાકરણ લાવવાનો રાજય સરકારનો અભિગમ જણાવી સરકારની વિવિધ યોજના સમજાવી હતી. અરજદારોને તેઓની ઓનલાઇન માંગણીઓ સંદર્ભે કોઇ મુશ્કેલી જણાય તો રૂબરૂ રજૂઆત કરવા જણાવી વિશેષ સમજણ મેળવી શકે તે બાબતે પણ માહિતગાર કરતાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અરજદારોના પ્રતિભાવો પણ મેળવ્યાં હતા. 

ઓપન હાઉસમાં અપાયેલા ૬૬ જેટલાં વિવિધ માંગણીઓના અપાયેલા મંજૂરી હુકમોમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટેની માંગણીઓના હુકમો ઉપરાંત મીઠા ઉદ્યોગ માટે ભાડા પટ્ટે જમીન આપવા તથા ભાડાપટ્ટા રીન્યુ કરવાની માગણીઓ, સરકારી, શૈક્ષણિક સંસ્થાઓને જમીન ફાળવણીના હુકમો, ગણોતધારાની કલમ-૮૯-૮૯(ક)ના હુકમો, જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ તથા કલમ-૬૫(ખ)ના હુકમો, ખેતીની જમીનમાં રહેલા માપણી વધારા નિયમિત કરવાના હુકમો, ગેટકો,બોર્ડ-નિગમ, જીઇબીના હુકમો અને બિનખેતી હેતુફેરના હુકમોનો સમાવેશ કરાયો હતો.

જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે યોજાતાં ઓપન હાઉસ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ૩૦૪૮ જેટલાં હુકમો અરજદારોને રૂબરૂ બોલાવીને અર્પણ કરવામાં આવ્યાં છે.

(12:03 pm IST)